Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પ્રોવીડંટ ફંડના અધિકારીઓ દ્વારા ૩૭ કરોડની ઉચાપત

પીએફના બંધ પડેલા ખાતાઓમાંથી અમુક નાણાં ઉપાડી લીધાઃ ૪ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

નવી દિલ્હી, તા.૭: એમ્પ્લોઇઝ પ્રોવીડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના અધિકારીઓની મીલીભગતથી મુંબઇની એક રીજીયોનલ ઓફીસમાં લોકોના ખાતાઓમાંથી કેટલાક કરોડ રૂપિયા ઉપાડી લેવાયા છે.

આ અંગેની માહિતી ધરાવતા સુત્રો અનુસાર, બુધવાર સુધીમાં લગભગ ૩૭ કરોડ રૂપિયા ઉપાડી લેવાયા છે. ધ્યાનમાં આવ્યા અનુસાર વિવિધ લોકોના ખાતાઓમાં પડી રહેલી રકમમાંથી પાર્શીયલ કલેઇમ દ્વારા આ રકમ ઉપાડી લેવાઇ છે.

અત્યાર સુધીમાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, અને કાંદીવલી ખાતેની રીજયોનલ ઓફિસમાં ટ્રાન્ઝેકશન રેકોર્ડની તપાસ કરવા માટે ઇપીએફઓની એક ઓડીટ ટીમને રવાના કરવામાં આવી છે. આ બાબતે ખાતાકીય અને કાયદેસરના પગલા લેવા અને ઉચાપત કરાયેલ નાણાં પાછા મેળવવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું ઇપીએફઓએ કહયું છે.

માહિતગાર સુત્ર અનુસાર, જે ખાતાઓમાં ઘણાં સમયથી કોઇ રકમ જમા ના થઇ હોય કેમ કે આ ખાતું ધરાવતો કર્મચારી વિદેશ ગયો હોય અથવા નોકરી બદલી હોય અને ત્યાં પોતાના ખાતાની માહિતી આપી ના હોય, તેવા ખાતાઓમાં બોગસ કલેઇમ અરજી કરીને આ લોકો પૈસા પોતાના બોગસ ખાતાઓમાં જમા કરાવી લેતા અને પછી ત્યાંથી ટ્રાન્સફર કરી લેતા હતા.

સુત્રએ કહયું કે આ લોકો આવા ખાતામાંથી ૨૫-૩૦ ટકા રકમ જ ઉપાડવાની અરજી કરતા જેથી ખાતાધારકના ધ્યાનમાં ના આવે. આ કૌભાંડમાં જુનીયર અને કલાર્ક લેવલના કર્મચારી ઉપરાંત કલેઇમ વીથડ્રોઅલ પ્રોસેસ સાથે સંકળાયેલા સોશ્યલ સીકયોરીટી આસીસ્ટંટ વગેરે સંડોવાયેલા છે.

(11:38 am IST)