Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભારતમાં સક્રિય આઇએસ આતંકવાદી મોડયુલ ઝડપાયું

અનેક રાજ્યોમાં દરોડા : ૧૦ ત્રાસવાદીઓ પકડાયા : એક વર્ષ સુધી ચાલેલા ઓપરેશન પછી એજન્સીઓને મળી સફળતા

નવી દિલ્હી તા. ૭ : ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા અલકાયદાના આતંકવાદી મોડયુલને જાહેર કરવા અમે તેની સાથે સંકળાયેલા આતંકવાદીઓની ધરપકડ કર્યા પછી હવે સુરક્ષા એજન્સીઓએ ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સાથે સંકળાયેલા મોડયુલનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા એક મહિનામાં જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને કેરળમાં ૨૧ જગ્યાઓએ પડાયેલ દરોડાઓમાં ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓ કેટલાક શકમંદોની પૂછપરછ પણ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર લગભગ એક વર્ષ પહેલા ભારતમાં સક્રિય આઇએસ મોડયુલ અંગે માહિતી મળી હતી.

સુરક્ષા એજન્સીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, આ આતંકવાદીઓ 'ક્રોનિકલ ફાઉન્ડેશન'ના નામથી એક ઇન્સ્ટાગ્રામ ચેનલ પર મોટી સંખ્યામાં આઇએસની દુષ્પ્રચાર સામગ્રી મુકી રહ્યા હતા. આ ચેનલના વિશ્વભરમાં ૫૦૦૦ સક્રિય સભ્યો હતા. સુરક્ષા એજન્સીઓએ બોગસ નામથી સક્રિય તેના સભ્યોની તપાસ શરૂ કરી તો કર્ણાટકના મેંગ્લોર અને બેંગ્લોરની સાથે સાથે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને બાંદીપુરામાં તેમના લોકેશનની ખબર પડી.

ધીમે ધીમે આ આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી અને આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આમાંથી કેટલાય આતંકવાદીઓ આઇએસના કબ્જાવાળા સીરીયા, ઇરાક અને અફઘાનિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક તો એપ્રિલ ૨૦૧૯માં ઇરાનના રસ્તે અફઘાનિસ્તાન જવાનો પ્રયત્ન પણ કરી ચૂકયા હતા.

સૂત્રો અનુસાર, આ આતંકવાદીઓ કાશ્મીરમાં આઇએસનું આતંકી માળખું તૈયાર કરવાની અને હુમલાઓ કરવાની તૈયારીમાં લાગેલા હતા. કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારાઓને આ લોકો નાણા પણ આપી રહ્યા હતા. ગિરફતાર કરાયેલ આતંકવાદી ડોકટર રહીસ પાસેથી ઝડપાયેલ ડીજીટલ ડીવાઇસમાં આઇઇડી બનાવવાની ટેકનીકની વિસ્તૃત માહિતી હતી. આ આતંકવાદીઓ હિંદુવાદી નેતાઓની હત્યા કરીને દેશમાં સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન કરવા અને મીડિયા સંગઠનો પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.

(11:36 am IST)