Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મંગળ ગ્રહ આજે પૃથ્‍વીની 6.207 કરોડ કિ.મી. નજીક આવી રહ્યો છેઃ દર 26 મહિને આ ગ્રહ કરે છે ઓવરટેઇક

રાજકોટ : તારીખ 6 ઓક્ટોબરના મંગળવારના રોજ આજે મંગળ ગ્રહ પૃથ્વીથી લઘુતમ અંતરે હશે. દર 26 મહીને બંને ગ્રહ સામાન્ય રીતે એકબીજાની નજીક આવે જ છે. એનું મૂળ કારણ એ કે પૃથ્વી મંગળ કરતા વધુ ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરતી હોવાંથી દર 26 મહીને માર્સનો ઓવરટેક કરે છે. એ સમયે બંને ગ્રહ અને સૂર્ય એક સીધી રેખામાં જ હોય છે. આ ઘટનાને ખગોળ વૈજ્ઞાનિકો ઓપોઝિશન કહે છે. 6 ઓક્ટોબર 2020નાં રોજ આજે મંગળ અને પૃથ્વીનું અંતર 6.207 કરોડ કિ.મી હશે અને એનાથી વધારે નજીક ફરી 2035 એટલે કે 15 વર્ષ પછી આ જ ઘટના ફરીથી ઘટશે.

આવી ઘટના ક્યારેક જ ઘટે છે

લોકવિજ્ઞાન કેન્દ્રનાં નિલેશ રાણાનું કહેવું છે કે, “આ વખતે પણ મંગળનું ઓપોઝિશન તારીખ 13 ઓક્ટોબરનાં રોજ છે. પરંતુ લઘુતમ અંતર 6 ઓક્ટોબરના રોજ સર્જાય છે. આમ તો મંગળ પૃથ્વીથી 5.46 કરોડ કિમી જેટલો વધુમાં વધુ નજીક આવી શકે પરંતુ આવું વધારે વાર નથી બનતું. મંગળ 2003માં પૃથ્વીની એકદમ નજીક આવ્યો હતો. જેટલો તે 60,000 વર્ષમાં પણ આવ્યો ન હોતો અને હજુ ઈ.સ. 2287 સુધી ફરી આવશે પણ નહીં. જો કે 6 ઓક્ટોબર 2020નાં રોજ આજના દિવસે મંગળ અને પૃથ્વીનું અંતર 6.207 કરોડ કિમી હશે. આનાથી વધારે નજીક ફરી 2035 એટલે કે 15 વર્ષ સુધી તે નહીં આવે. નોંધનીય છે કે જ્યારે જ્યારે મંગળ નજીક આવે ત્યારે સોશિયલ મીડિયામાં એક અફવા ઊડતી હોય છે કે આકાશમાં બે ચંદ્ર દેખાશે-મંગળ ચંદ્ર જેટલો પ્રકાશિત હશે વગેરે વગેરે.

રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના facebook પેજ પર લાઇવ પ્રસારણ થશે

મંગળ-પૃથ્વીનું અંતર કરોડો કિમીમાં મપાય છે અને ચંદ્ર પોણા ચાર લાખ કિ.મી માત્ર છે. તો મંગળ ક્યારેય ચંદ્ર જેટલો મોટો કે તેજસ્વી દેખાઇ શકે નહીં. 6 ઓક્ટોબરનાં રોજ મંગળ નરી આંખે પણ એકદમ પ્રકાશિત લાલઘુમ તારા જેવો દેખાશે. 9 વાગ્યાની આસપાસ તે પૂર્વ દિશામાં ક્ષિતિજથી એકાદ વેંત ઉપર દેખાશે અને તેનાં જેટલો તેજસ્વી બીજો કોઈ પદાર્થ (ચંદ્ર સિવાય) રાત્રી આકાશમાં દેખાશે નહીં. જો તમારી પાસે ટેલિસ્કોપ અથવા તો સારી ગુણવત્તાવાળું દૂરબીન હોય તો તેને જોવાની મજા જ કઈંક અલગ હશે. આ ઘટનાનું લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટની બિગબેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તેમનાં ફેસબુક પેજ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

(4:57 pm IST)