Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કેન્દ્ર સરકારની ચિંતા વધી

તહેવારની સિઝનમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો

આ દરમિયાન વિવિધ રાજયોમાં અવર-જવર અને જાહેર ગતિવિધિઓમાં વધારો થાય તેવી શકયતાઓ જણાઈ રહી છે

નવી દિલ્હી,તા. ૬: સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૬,૬૨૩,૮૧૫ કેસ નોંધાયા છે અને કુલ ૧૦૨,૬૮૫ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૫,૫૮૬,૭૦૩ દર્દીઓ સાજા થઈને દ્યરે પરત ફર્યા છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે દેશમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન વિવિધ રાજયોમાં અવર-જવર અને જાહેર ગતિવિધિઓમાં વધારો થાય તેવી શકયતાઓ જણાઈ રહી છે. તેવામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. આ કારણે હવે કેન્દ્ર સરકારને પણ ચિંતા થઈ રહી છે.

હવે દેશમાં આગામી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર જલદી એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે, જે હેઠળ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ કેવી રીતે અટકાવી શકાય તે અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા અભિયાનની રણનીતિ હેઠળ કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લા મંગળવારે બપોરે ૩ વાગ્યે એક બેઠકનું આયોજન કરી શકે છે.

અધિકારીએ કહ્યું કે દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટેના વિવિધ ઉપાયો પર ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે સ્વ-સ્વચ્છતા, માસ્ક પહેરવા માટે એક નવું સાર્વજનિક અભિયાન જરૂરી છે. કારણકે કેન્દ્રએ હાલમાં જ સાર્વજનિક સુવિધાઓને ધ્યાનમાં રાખતા સાર્વજનિક ગતિવિધિઓને ખોલવા માટેના નિર્દેશ જાહેર કર્યા છે.

હવે દિવાળી સહિતના તહેવારોની સિઝન ચાલુ થવા જઈ રહી છે. માટે જરૂરી છે કે કોરોના વાયરસ પ્રોટોકોલ વિશેનો સાર્વજનિક સંદેશ જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બેઠકમાં આ મુદ્દા સંબંધિત ચર્ચા કરવામાં આવશે અને એક સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર ચર્ચા કરીને દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટેના પગલા ભરવામાં આવશે.

(11:34 am IST)