Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભારતીય ચલણી નોટો ઉપર ટાગોર અને કલામ પણ નજરે પડશે

મહાત્‍મા ગાંધીજી ઉપરાંત દેશના ઈતિહાસમાં જેમનું મહત્‍વનું યોગદાન રહ્યુ છે તેવા મહાનુભાવો સંભવતઃ ટૂંક સમયમાં દેશની ચલણી નોટો ઉપર જોવા મળશે : મોદી સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે : ન્‍યુઝ ફર્સ્‍ટ

નવી દિલ્‍હી, તા. ૬ : ભારત સરકાર અને રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા આગામી સમયમાં ભારતીય ચલણી નોટ (કરન્‍સી નોટ) ઉપર હવે મહાત્‍મા ગાંધી ઉપરાંત નોબલ પ્રાઈઝ વિજેતા અને રાષ્‍ટ્ર ગીતના નિર્માતા રવિન્‍દ્રનાથ ટાગોર તેમજ ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ અને સુપ્રસિદ્ધ સાયન્‍ટીસ્‍ટ - મિસાઈલમેન એ.પી.જે. અબ્‍દુલ કલામનો ફોટો તથા વોટર માર્ક પ્રસિદ્ધ કરવાનું સક્રિય પણે વિચારી રહેલ છે તેમ ન્‍યુઝ ફર્સ્‍ટનો અહેવાલ જણાવે છે.
અત્‍યાર સુધી ભારતીય ચલણના ઈતિહાસમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનો ફોટોગ્રાફ તેમજ વોટરમાર્ક દરેક ચલણી નોટમાં પ્રસિદ્ધ કરવામાં આવી રહેલ છે. પરંતુ હવે મોદી સરકાર ગંભીરતાથી વિચારી રહી છે કે ભારતના અન્‍ય રત્‍નો કે જેમનું યોગદાન દેશ માટે મહત્‍વનું સાબિત થયુ છે તેમના ફોટોગ્રાફો પણ ચલણી નોટમાં પ્રસિદ્ધ કરવા. આમ કદાચ આપણને ટૂંક સમયમાં મહાત્‍મા ગાંધીજી ઉપરાંત રવિન્‍દ્રનાથ ટાગોર તેમજ એ.પી.જે. અબ્‍દુલ કલામનો ફોટો ચલણી નોટો ઉપર જોવા મળશે.
સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ કેન્‍દ્ર સરકાર અન્‍ય નામો અંગે પણ ગંભીરતાથી વિચારી રહી છે. જેઓનો ભારતના ઈતિહાસમાં ખૂબ મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યુ છે. (ન્‍યુઝ ફર્સ્‍ટ)

 

(11:32 am IST)