Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ઝિમ્‍બાબ્‍વે : આશરે ૯૦% વસ્‍તી બેરોજગાર : યુવતીઓએ નોકરીના બદલામાં કરવો પડે છે દેહનો સોદો

દેશની વર્તમાન આર્થિક સ્‍થિતિના કારણે નેપોટિઝમ, ભાઇ - ભત્રીજાવાદ જોરમાં આવ્‍યો : યુવતીઓ કામ મેળવવા માટે લાંચ આપવા સક્ષમ ન હોય તો નોકરીદાતા તેનું શારીરિક શોષણ કરે જે તેમને એઇડ્‍સનો ભોગ બનાવે છે

નવી દિલ્‍હી, તા.  ૬ : દક્ષિણ આફ્રિકી દેશ ઝિમ્‍બાબ્‍વે છેલ્લા અનેક વર્ષોથી ભયંકર ગરીબી અને બેરોજગારીનો સામનો કરી રહ્યો છે. દેશની આશરે ૯૦% વસ્‍તી બેરોજગાર છે. આ કારણે નિરાશ યુવકો લાંચ આપીને સાવ નિમ્‍ન સ્‍તરની નોકરીઓ મેળવવા માટે મજબૂર બન્‍યા છે. તેમાં પણ યુવતીઓની સ્‍થિતિ ખૂબ જ કપરી બની છે. યુવતીઓએ નોકરી મેળવવા માટે પહેલા નોકરીદાતા સાથે શારીરિક સંબંધો બાંધવા પડે છે અને ત્‍યાર બાદ તેમને કામ મળે છે. આ કારણે અનેક યુવતીઓ એઈડ્‍સ સહિતની ગંભીર બીમારીઓનો ભોગ બની રહી છે.
દેશના ૧ કરોડ ૪૦ લાખ લોકોમાંથી મોટા ભાગના લોકો આજીવિકા મેળવવા માટે કોઈને કોઈ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે કારણ કે, તેમને દેશમાં કોઈ નોકરી નથી મળી રહી. યુવાનો મોટી રકમની લાંચ આપીને એક વર્ષની નોકરી મેળવી રહ્યા છે અને તેમાં પણ તેમનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે.
ઝિમ્‍બાબ્‍વે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. આ કારણે દેશ અનેક જરૂરી ચીજ-વસ્‍તુઓની આયાત પણ નથી કરી શકતો. દેશનું ઉત્‍પાદન પણ ઓછું છે અને ફોરેન એક્‍સચેન્‍જ રિઝર્વ પણ ખાલી થઈ ગયેલી છે. વર્ષ ૨૦૦૯માં મોંઘવારી પર કાબૂ મેળવવા માટે દેશમાં અમેરિકી ડોલર અપનાવવામાં આવ્‍યો હતો પરંતુ તેનું કોઈ સંતોષજનક પરિણામ ન મળવાના કારણે ૨૦૧૯માં ફરી ઝિમ્‍બાબ્‍વે ડોલર અપનાવી લેવાયો હતો. ઝિમ્‍બાબ્‍વેમાં એપ્રિલ મહિનામાં મોંઘવારી દર ૧૦૦% જેટલો હતો. દેશની વર્તમાન આર્થિક સ્‍થિતિના કારણે નેપોટિઝમ, ભાઈ-ભત્રીજાવાદ જોરમાં આવ્‍યો છે. દેશમાં મેનેજર લેવલના લોકો કંપનીના મોટા ભાગના પદો પર પોતાના સંબંધીઓને રિઝર્વ કરી દે છે.

 

(11:29 am IST)