Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

તૃણમૂલના સાંસદે કરેલી ફરીયાદ બાદ ચૂંટણી પંચે આપ્યો આદેશ

ચૂંટણી યોજાય છે તે રાજ્યોમાં વેકસીન સર્ટીફીકેટ ઉપરથી પીએમ મોદીની તસ્વીર હટાવોઃ ચૂંટણી પંચનો કેન્દ્રને આદેશ

નવી દિલ્હી, તા. ૬ :. પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોના એલાન બાદ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારને લઈને લાલ આંખ કરી છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવ્યુ છે કે જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં કોરોના વેકસીનના સર્ટીફીકેટ પરથી પીએમ મોદીની તસ્વીર હટાવી લ્યો.

કેરળ, પોંડીચેરી, તામીલનાડુ, પ.બંગાળ અને આસામમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. ૨૭ માર્ચથી ૨૯ એપ્રિલ વચ્ચે આ રાજ્યોમાં ચૂંટણી થવાની છે.

અત્રે એ નોંધનીય છે કે કોરોના વેકસીન અપાયા બાદ લાભાર્થીઓને કોરોના વેકસીનનુ એક સર્ટીફીકેટ અપાય છે. આ સર્ટીફીકેટ પર પીએમ મોદીની તસ્વીરને લઈને ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપ્યો છે કે તે વિધાનસભાની ચૂંટણીના આરે ઉભેલા રાજ્યોમાંથી આવી તસ્વીરો દૂર કરી દયે.

ચૂંટણી પંચનો આ આદેશ તૃણમૂલના સાંસદ ડેરેક ઓબ્રાયનની ફરીયાદ બાદ આવ્યો છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ પીએમ મોદીની તસ્વીર, નામ અને સંદેશને લઈને વાંધો નોંધાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ચૂંટણીની તારીખોના એલાન બાદ પીએમ મોદી આ પ્રકારે સરકારી પ્લેટફોર્મ કોવીનએપ થકી ક્રેડીટ લેવા અને પોતાના નામથી પ્રચાર કરવા પર મનાઈ ફરમાવવી જોઈએ.

કોરોના વેકસીન સર્ટીફીકેટ પર પીએમ મોદીની તસ્વીરને લઈને કોંગી નેતા કપીલ સિબ્બલે કહ્યુ છે કે સર્ટીફીકેટ પર કોઈ ડોકટર કે સ્વાસ્થ્ય કર્મચારીની તસ્વીર હોવી જોઈએ કારણ કે જ્યારે રસી નહોતી ત્યારે આ લોકો લોકોની મદદ માટે ઉભા હતા.

(11:39 am IST)