Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વાહન જેટલુ અંતર કાપશે એટલો જ ટોલ ટેકસ ચુકવવાનો રહેશે

સરકાર પે એન્ડ યુઝ નીતિ હેઠળ ખાનગી અને વ્યવસાયિક વાહનોને ટોલ ટેકસમાં રાહત આપવાની તૈયારીમાં: આ માટેના ટેન્ડરો જારીઃ એપ્રિલથી પાયલોટ પ્રોજેકટ હેઠળ દિલ્હી-મુંબઇ હાઇવે પર યોજના શરૂ થશે

નવી દિલ્હી તા.૬ : સરકાર પે એન્ડ યુઝ નીતિ હેઠળ ખાનગી અને વ્યવસાયિક વાહનોને ટોલ ટેકસમાં રાહત આપવા જઇ રહી છે જે અનુસાર વાહન ટોલ રોડનો જેટલો ઉપયોગ કરશે એટલા હિસ્સાનો કર લાગશે. આ બારામાં ટેન્ડરો જારી કરવામાં આવ્યા છે.

હાઇવે ઓથોરીટીના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે, આ વ્યવસ્થા પાયલોટ પ્રોજેકટ હેઠળ એપ્રિલમાં દિલ્હી-મુંબઇ રાષ્ટ્રીય રાજમાર્ગ પર છ મહિના માટે શરૂ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં પ૦૦ વાહનો જેમાં ૬૦ ટકા ખાનગી અને ૪૦ ટકા વ્યવસાયિક વાહનો હશે તેમાં જીપીએસ લગાડી પે એન્ડ યુઝનો ઉપયોગ છ મહિના માટે થશે. આવા વાહનો પાસેથી ટોલ પ્લાઝા પર ટેકસ નહી લેવાય. ફાસ્ટ ટેગથી ઓટોમેટીક ટેકસનું ચુકવણુ કરવામાં આવશે. જો પ્રયોગ સફળ રહેશે તો દિલ્હી-મુંબઇ વચ્ચે તમામ ૧૭ ટોલ પ્લાઝા હટાવી લેવાશે. નવેમ્બરથી દિલ્હી-મુંબઇ વચ્ચે એડવાન્સ સીસીટીવી કેમેરા યુકત એન્ટેના લગાડાશે. હાઇવે પર લાગેલા એન્ટેનાથી ટોલ ચુકવણુ થઇ શકશે. તે પછી ટોલ પ્લાઝા હટાવી લેવાશે.

અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વાહનો પર ફાસ્ટ ટેગ લગાવી ચુકયા છે. ૩૭૧ ટોલ પ્લાઝાની એક સમર્પિત લેનને ઇલેકટ્રોનીક ટોલ કલેકશન ટેકનીક લગાવી દેવાઇ છે. જેમાં ફાસ્ટ ટેગ વાહનો પાસેથી ટેકસનું ચુકવણુ થાય છે. આ માટે વાહનોએ ટોલ પ્લાઝા પર અટકવુ પડતુ નથી. ફાસ્ટ ટેગમાં પ૦૦ થી ૧૦,૦૦૦નું રિચાર્જ કરાવી શકાય છે. ટોલ પર પૈસા ચુકવવાની સુચના એસએમએસથી મળશે. ટેગથી પેટ્રોલ ભરાવા, ચેક પોસ્ટ પર ચુકવણુ થઇ શકશે. ફાસ્ટ ટેગની કિંમત ૧૩૦ રૂ. છે.(૩-૩)

(9:47 am IST)