Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર

હવે મિડલ અને અપર મિડલ કલાસના લોકો વધુ બિમાર

નવી દિલ્હી,તા. ૫: દિલ્લીમાં ફરી એકવાર કોરોનાનો વધતો ખતરો નજરે પડી રહ્યો છે. મંગળવારે રાજધાની દિલ્લીમાં કોરોનાના નવા કેસમાં રેકર્ડ વધારો જોવા મળ્યો. મંગળવારે કોરોના પોઝિટિવના ૬૭૫૨ કેસ નોંધાવવાને કારણે દિલ્લીમાં કોરોનાની ત્રીજી લહર શરૂ થઇ હોવાની આશંકા વધુ મજબુત બની છે.દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બધુવારે કહ્યું કે,છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.આને ત્રીજી લહેર કહી શકાય તેમ છે.એટલા માટે આજે એક રિવ્યુ મિટિંગ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે હોસ્પિટલમાં બેડની અછત ન ઉભી થાય તેના માટે સતત પ્રયાસ થઇ રહ્યા છે. કોરોનાના વધતા કેસને કારણે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચિંતામાં વધારો થયો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે ખાનગી હોસ્પિટલમાં ૮૦ ટકા આઇસીયુ બેડ રિઝર્વ રાખવાના અમારા નિર્ણય પર હાઇકોર્ટે રોક લગાવી છે, પરંતુ અમે હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવાના છીએ.કેજરીવાલે કહ્યું કે હાઇકોર્ટના ફેંસલાથી સરકારને ૮૦૦ બેડની અછત ઉભી થઇ છે.

કેજરીવાલ ઉપરાંત દિલ્લી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ માન્યું કે દિલ્લીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે.તેમણે કહ્યું કે ત્રીજી લહેર ઉપરાંત આક્રમક કોન્ટેકટ ટ્રેસિંગને કારણે પણ કોરોનાના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય મંત્રીએ કહ્યું કે છેલ્લાં ૧૫ દિવસથી અમે અમારી સ્ટ્રેટેજી પર ફોકસ કર્યું છે. અમે અગ્રેસિવ કોન્ટેકટ ટ્રેસિંગ શરૂ કર્યું છે. જેમાં એક વ્યકિત જો કોરોના પોઝિટિવ આવે તો તેમના સંપર્કમાં આવેલા દરેક વ્યકિતના અમે ટેસ્ટ કરી રહ્યા છે. એટલે કોરોનાના નવા કેસમાં વધારો દેખાઇ રહ્યો છે.

સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈને ખાનગી હોસ્પિટલમાં કેમ વધારે સમસ્યા આવી રહી છે તે બાબતે કહ્યું હતું કે આ વખતે કોરોના પોઝિટિવના કેસ મિડલ કલાસ અને અપર મિડલ કલાસમાં વધારે જોવા મળી રહ્યા છે.આ પહેલાં કોરોનાનો વાયરસ ધનિક વિસ્તારમાં વધારે ફેલાયો હતો. કેટલાંક લોકો ઇન્શ્યોરન્સને કારણે ખાનગી હોસ્પિટલમાં ભરતી થઇ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે,હોસ્પિટલ સરકારી હોય કે ખાનગી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ એક સરખી રાખવામાં આવી છે.હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ બેડને રિર્ઝવ રાખવાનો નિર્ણય અટકાવ્યો હોવાને કારણે ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે.

(9:46 am IST)