Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

બોલીવુડ ઉપર કોરોનાનો પ્રહાર : ૨૦૨૦માં ૩૫૦૦ કરોડનું નુકસાન : ૧૫ ફિલ્મો જ રજુ થઇ : ૨૦૨૧માં વણઝાર

૨૦૨૧માં સુર્યવંશી - રાધે- લાલસિંહ ચઢઢા- બ્રહ્મસ્ત્ર, શમશેરા, મૈદાન વગેરે રિલીઝ થશેઃ ૨૦૨૦માં તાનાજી, બાગી થ્રી, સ્ટ્રીટ ડાન્સર, શુભ મંગલ, મલંગ જેવી ફિલ્મો રજુ થઇ : પંગા- છપાક- થપ્પઠ નિષ્ફળ

મુંબઇ,તા.આ વર્ષે કોરોના મહામારીનો મોટો ફટકો બોકસઓફિસને પડ્યો છે. આગામી વર્ષે બોલીવૂડ આ ખોટની ભરપાઇ કરવા બમણું જોર લગાવી દેશે. અક્ષય કુમારની 'સૂર્યવંશી', સલમાન ખાનની 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ', આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા', રણબીર કપૂરની 'બ્રહ્મસ્ત્ર'અને 'શમશેરા', અજય દેવગણની 'મૈદાન', જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે-૨'અને 'મુંબઈ સાગા'આ તમામ ફિલ્મોની રિલીઝ આગલા વર્ષે ધકેલી દેવામાં આવી છે. આ સિવાય 'ભૂલભૂલૈયા-ટૂ', 'દોસ્તાના-ટૂ'અને 'શેરશાહ'ને પણ આગામી વર્ષે રિલીઝ કરવામાં આવશે. કોરોનાને પગલે આ વર્ષે રિલીઝ ન થઇ શકેલી ફિલ્મો હવે આવતા વર્ષે રિલીઝ થશે, પરિણામે ૨૦૨૧ બોલીવૂડને ફળે એવી શકયતા છે.

વર્ષ ૨૦૨૦ બોકસ ઓફિસ અને બોલીવૂડ માટે કોઇ ખરાબ સપનાથી કમ નથી રહ્યું. આ વર્ષે છ મહિનાથી વધુ સમય માટે સિનેમા હોલ્સ બંધ રહ્યા. હવે જયારે થિયેટર્સ ફરી ખૂલ્યા છે ત્યારે દર્શકોનો પ્રતિસાદ મળી રહ્યો નથી, તેથી અપેક્ષા મુજબ કમાણી થઇ રહી નથી. ૨૦૨૦ ખતમ થવા આવ્યું છે અને એનાલિસ્ટ્સે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ૧૦૦-૨૦૦ નહીં, પણ ૩,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

એક રિપોર્ટ અનુસાર ૨૦૨૦માં જાન્યુઆરીથી માર્ચ મહિના વચ્ચે ફકત ૧૫ ફિલ્મ રિલીઝ થઇ છે. આમાં ફકત પાંચ ફિલ્મ જ થોડી સફળ સાબિત થઇ. આ દરમિયાન 'તાનાજી'(૨૮૦ કરોડ), 'બાગી-થ્રી'(૯૫ કરોડ), સ્ટ્રીટ ડાન્સર થ્રીડી (૭૫ કરોડ), 'શુભ મંગલ જયાદા સાવધાન'(૬૦ કરોડ) અને 'મલંગ'(૫૯ કરોડ) જ સફળ ફિલ્મોની યાદીમાં રહી. જોકે, આ ફિલ્મો વધુ સમય સુધી થિયેટરમાં ન રહેતા તેને કારણે કમાણી પર અસર થઇ હતી.

આ સિવાય 'લવ આજકલ ટૂ', 'છપાક', 'થપ્પડ', 'ભૂતઃ ધ હોન્ટેડ શિપ', 'જવાની જાનેમન', 'પંગા'અને 'અંગ્રેજી મીડિયમ'જેવી કેટલીક ફિલ્મો રિલીઝ થઇ, પણ આમાંથી એકપણ ફિલ્મ બોકસઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નહીં. આને કારણે વર્ષના પહેલા ત્રણ મહિનામાં બોકસ ઓફિસનું કલેકશન માંડ ૭૮૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી શકયું હતું. જો 'બાગી થ્રી'અને 'અંગ્રેજી મીડિયમ'વધુ થોડા સમય માટે મલ્ટિપ્લેકસમાં ચાલી હોત તો આંકડો ૮૦૦ કરોડને પાર થઇ ગયો હોત.

આ વર્ષની સૌથી નિરાશ કરનારી વાત એ છે કે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી સિનેમા હોલ્સ એકદમ બંધ રહ્યા. આ સિવાય બાકીના મહિનાઓમાં 'સૂરજ પે મંગલ ભારી'અને '૮૩'ને બાદ કરતા કોઇપણ મોટી ફિલ્મ રિલીઝ થાય એવી શકયતા નથી. આ વર્ષની ગયા વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો તમને સમજાશે કે આ વર્ષ બોકસઓફિસ માટે કેટલું ખરાબ રહ્યું. ગયા વર્ષે ફકત હિન્દી ફિલ્મોની રિલીઝથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ૪,૪૦૦ કરોડ રૂપિયાની આવક થઇ હતી. આમાંથી અનેક ફિલ્મોએ ૧૦૦ કરોડથી ૨૦૦ કરોડ રૂપિયા સુધીની કમાણી કરી હતી. આમાં 'કેસરી', 'ટોટલ ધમાલ', 'છિછોરે', 'દબંગ થ્રી', 'ડ્રીમ ગર્લ', 'ગલી બોય'અને 'બાલા'જેવી ફિલ્મોનો સમાવેશ છે.

દરમિયાન ખેલાડી કુમાર અક્ષયની ત્રણ ફિલ્મ 'હાઉસફુલ-ફોર', 'મિશન મંગલ'અને 'ગુડ ન્યૂઝ'એ ૨૦૦ કરોડનો કારભાર કર્યો હતો. ઉપરાંત સલમાન ખાનની 'ભારત'ફિલ્મે પણ ડબલ સેન્ચ્યુરી લગાવી હતી. શાહિદ કપૂરની 'કબીર સિંહ'અને વિકી કૌશલની 'ઉરીૅં ધ સર્જિકલ સ્ટ્રાઇક'ફિલ્મ ૩૦૦ કરોડની કલબમાં સામેલ થતા જરાક માટે રહી ગઇ. જોકે, રીતિક રોશન અને ટાઇગર શ્રોફની 'વોર'ફિલ્મે ૩૦૦ કરોડ રૂપિયાનો કારભાર કર્યો હતો.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ એકદમ નબળું રહ્યું. હવે આશા એ જ છે કે જેમ તેમ કરીને બાકીના મહિનાઓમાં કુલ કલેકશન ૧૦૦૦ કરોડનો આંકડો પાર કરી લે. જો એમ નહીં થાય તો આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગભગ ૩,૫૦૦ કરોડનું નુકસાન થશે. છેલ્લા ચાર વર્ષની તુલના કરીએ તો વર્ષ ૨૦૧૬માં કુલ કમાણી ૩,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૭માં ૩,૩૦૦ કરોડ, વર્ષ ૨૦૧૮માં ૩,૬૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૯માં ૪,૪૦૦ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. આ વર્ષે ૪,૫૦૦ કરોડનો કારભાર થવાની આશા હતી, જે કોરોનાને પગલે પૂરી ન થઇ શકી.

આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મને કારણે પણ કેટલીક ફિલ્મો થિયેટરમાં આવતા રહી ગઇ. આ ફિલ્મો બોકસઓફિસ પર સારું પ્રદર્શન કરી શકે એમ હતી. આમાં અક્ષય કુમારની 'લક્ષ્મી', અભિષેક બચ્ચનની 'બિગ બુલ', અજય દેવગણની 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'અને વરુણ ધવનની 'કુલી નંબર વન'નો સમાવેશ છે. આશા હતી કે લોકડાઉન બાદ આ ફિલ્મો સિનેમા હોલમાં રિલીઝ થશે, પણ એવું શકય બન્યું નહીં. માનવામાં આવી રહ્યું છે કે બોલીવૂડ આગામી વર્ષે સારું પ્રદર્શન કરશે.

(9:45 am IST)