Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ભારતીય પુરૂષો મહિલાઓ કરતા ખાવામાં વધુ સમય લે છે : ઉંઘવાની બાબતમાં મહિલાઓ આગળ

ગ્રામિણ અને શહેરી વિસ્તારો માટે થયો અનોખો સર્વે : ઘરના સભ્યોની દેખરેખ માટે મહિલાઓ વધુ સમય આપે છે

નવી દિલ્હી તા. ૫ : લોકો આખો દિવસ શું કરે છે ? કેટલી વખત ઉંઘી જાય છે ? કેટલા સમયમાં ખાવાનું ખાય છે ? ધર્મ-કર્મમાં કેટલો સમય વિતાવે છે ? એ હવે બહાર આવ્યું છે. નેશનલ સ્ટેસટીકલ ઓફિસના ટાઇમ યુઝ સર્વેમાં આ બધી માહિતી બહાર આવી છે. જાન્યુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચે દેશભરના ૫૯૪૭ ગામો અને ૩૯૯૮ શહેરી વિસ્તારોમાં આ સર્વે થયો હતો. જેમાં કુલ ૧૩૮૭૯૯ના ઘરોની દિનચર્યા અંગે પૂછવામાં આવ્યું હતું. કુલ ૪૪૭૨૫૦ લોકો સાથે સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના અનોખા સર્વેનું હેતુ હતો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પેઇડ કે અનપેઇડ પ્રવૃત્તિમાં વિતાવાતા સમયની ભાળ મેળવવા સરકારને આનાથી નિતી નક્કી કરવામાં મદદ મળશે.

સર્વે અનુસાર ખાવા-પીવાની વાત આવે છે તો ગ્રામીણ વિસ્તારોના પુરૂષ મહિલાઓ કરતા લગભગ ૧૦ મીનીટ વધુ સમય લે છે. મહિલાઓ જ્યાં દિવસના ૯૪ મીનીટ ખાવા-પીવામાં લગાડે છે જ્યારે પુરૂષ ૧૦૩ મિનિટ લે છે. શહેરમાં પણ આજ ટ્રેન્ડ છે પુરૂષો ૧૦૧ મીનીટ લે છે જ્યારે મહિલાઓ દિવસમાં ૯૭ મીનીટ ખાવા-પીવા પર સમય પસાર કરે છે.

સુવાની વાત આવે તો સર્વે જણાવે છે કે મહિલાઓ વધુ સમય સુધી નિંદર લે છે. શહેરી વિસ્તારોમાં ૨૪ કલાકમાં પુરૂષ જ્યાં ૫૩૪ મિનિટ નિંદર લે છે તો મહિલાઓ ૫૫૨ મિનિટ સુવે છે. ગ્રામિણ વિસ્તારોમાં અંતર થોડું ઓછું થઇ જાય છે. જ્યાં પુરૂષ ૫૫૪ મિનિટ સુધી છે જ્યારે મહિલાઓ ૫૫૨ મિનિટ સુવે છે.

ઘરના અન્ય સભ્યો માટે કામ કરવા, તેમની દેખરેખ કરવામાં મહિલાઓને વધુ સમય દેવો પડે છે. શહેરી વિસ્તારોમાં પરિવારના કામકાજ માટે મહિલાઓ જ્યાં ૨૯૩ મિનિટ લે છે તો પુરૂષો માત્ર ૯૪ મિનિટ જ કાઢે છે. ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને દિવસમાં ૩૦૧ મિનિટ ઘરકામ કરવું પડતું હોય છે જ્યારે પુરૂષ ફકત ૯૮ મિનિટ આવું કામ કરે છે. આ એ સમય જે માટે ન'તો પુરૂષ કે ન'તો મહિલાઓને ચૂકવણુ થાય છે. ઘરના લોકોની સંભાળ માટે મહિલાઓ વધુ સમય આપે છે. ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ જ્યાં ૧૩૮ મિનિટ આપે છે તો પુરૂષો ફકત ૭૫ મિનિટ આપે છે. શહેરી વિસ્તારમાં મહિલાઓ દિવસમાં ૧૩૨ મિનિટ ઘરના લોકોની કાળજીમાં વિતાવે છે તો પુરૂષો ફકત ૭૭ મિનિટ વિતાવે છે.

સર્વે અનુસાર કલ્ચર, માસ મિડીયા અને રમત ગમતમાં ભારતીય સરેરાશ ૧૬૫ મિનિટ આપે છે. ગ્રામીણ વિસ્તારમાં પુરૂષ ૧૬૨ મિનિટ ખર્ચ કરે છે જ્યારે મહિલાઓ ૧૫૭ મિનિટ ખર્ચ કરે છે. શહેરી વિસ્તારોમાં પુરૂષો ૧૭૧ મિનિટ તો મહિલાઓ ૧૮૧ મિનિટ આપે છે.

સર્વે અનુસાર ૬ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો સામાજિક કાર્યો, સામુહિક મળવામાં અને ધાર્મિક કામકાજમાં સરેરાશ રોજ ૧૪૩ મિનિટ લગાડે છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં પુરૂષો આવા કામ પાછળ ૧૫૧ મિનિટ તો મહિલાઓ ૧૩૯ મિનિટ લે છે.

(10:28 am IST)