Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

IPLમાં બે નવી ફ્રન્ચાઈઝી, મેગા ઓક્શન સામેલ કરાશે

બીસીસીઆઈએ IPL માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી : બ્લૂ પ્રિન્ટમાં પ્લેયર રિટેન્શન, સેલેરી પર્સમાં વધારો અને નવા મીડિયા રાઈટ્સ ટેન્ડરની યોજનાઓ પણ સામેલ છે

મુંબઈ, તા. : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી છે. જેમાં બે નવી ફ્રેન્ચાઈઝી, પ્લેયર રિટેન્શન, મેગા ઓક્શન, સેલેરી પર્સમાં વધારો અને નવા મીડિયા રાઈટ્સ ટેન્ડરની યોજનાઓ સામેલ છે. ક્રિકેટ બોર્ડે અંતે લીગમાં બે નવી ટીમો સામેલ કરવાનું નક્કી કરી લીધું છે. માટે ઓગસ્ટની મધ્યમાં ટેન્ડર ડોક્યુમેન્ટ પણ લાવવામાં આવશે અને બાદમાં ઓક્ટોબરની મધ્યમાં બિડ ઓપન થશે.

કોલકાતાના આરપી-સંજીવ ગોયક્ના ગ્રૂપ, અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતા અદાણી ગ્રૂપ, હૈદરાબાદની અરબિંદો ફાર્મા લિમિટેડ તથા ગુજરાતના ટોરેન્ટ ગ્રૂપે નવી ફ્રેન્ચાઈઝીઓમાં રસ દાખવ્યો છે. ઉપરાંત હાલમાં અન્ય કોર્પોરેટ કંપનીઓ તથા ખાનગી કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી કંપની પણ રસ દાખવી રહી છે.

બીસીસીઆઈ સેલેરી પર્સમાં વધારો કરી શકે છે. સેલેરી પર્સ ૮૫ કરોડથી ૯૦ કરોડ સુધી કરી શકે છે. તેથી ૧૦ ફ્રેન્ચાઈઝીઓમાં કુલ ૫૦ કરોડ રૂપિયાનો વધારો થશે. ફ્રેન્ચાઈઝીઓએ તેમને ફાળવવામાં આવેલા પર્સમાંથી ફરજિયાત ૭૫ ટકાનો ખર્ચ કરવો પડશે. આગામી ત્રણ વર્ષ સુધી પર્સને ૯૦ કરોડથી વધારીને ૯૫ કરડો કરવામાં આવી શકે છે. જ્યારે ૨૦૨૪ની સિઝન સુધીમાં પર્સ ૧૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. ખેલાડીઓને રિટેઈન કરવાની બાબતને પણ અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. જે મુજબ પ્રત્યેક ફ્રેન્ચાઈઝી ચાર ખેલાડીઓને રિટેઈન કરી શકશે. જોકે, ફ્રેન્ચાઈઝી ત્રણ ભારતીય ખેલાડી અને એક વિદેશી ખેલાડી રિટેન કરી શખે છે. અથવા તો બે ભારતીય અને બે વિદેશી ખેલાડીઓ રિટેન કરી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક ખેલાડીઓને વિચાર પસંદ આવી શકે છે કે જે ટીમ તેમને રિટેન કરવા ઈચ્છતી નથી અને ઓક્શન પૂલમાં જઈ શકે છે. સેલેરી પર્સમાં વધારો કરવામાં આવ્યો છે અને બે નવી ટીમો પણ આવવાની હોવાના કારણે ખેલાડીઓને આઈડિયા વધારે પસંદ આવી શકે છે. પર્સ અને ટીમોમાં વધારો થતાં પ્રતિભાશાળી ખેલાડીઓને ખરીદવા માટે ભારે રસાકસી થઈ શકે છે.

(8:06 pm IST)