Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

22મીથી ચોમાસું સત્રના અંત સુધી ખેડૂતો સંસદ ભવન સામે કરશે વિરોધ પ્રદર્શન : સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત

8 જુલાઈએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન :17 જુલાઇએ દેશના તમામ વિરોધી પક્ષોને ચેતવણી પત્ર મોકલશે

નવી દિલ્હી : સંયુક્ત કિસાન મોરચા (SKM) એ જાહેરાત કરી હતી કે લગભગ 200 ખેડૂતોનું જૂથ ચોમાસું સત્ર દરમિયાન દરરોજ સંસદની સામે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરશે. સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ખેડૂત આંદોલનના નેતાઓએ આગામી દિવસોમાં પોતાના આંદોલનને વધુ તીવ્ર બનાવવાના અનેક નિર્ણયોની જાહેરાત કરી હતી.

SKM એ નિર્ણય લીધો છે કે તે ચોમાસું સત્રમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે 17 જુલાઇએ દેશના તમામ વિરોધી પક્ષોને ચેતવણી પત્ર મોકલશે. પત્રકાર પરિષદમાં ખેડૂત નેતા ગુરનામ સિંહ ચારુણીએ કહ્યું, વિપક્ષના સાંસદો દરરોજ આ મુદ્દો ગૃહની અંદર ઉઠાવે અને અમે કાયદાના વિરોધમાં બહાર બેસીશું. તેમણે કહ્યું કે અમે વિરોધ પક્ષને કેન્દ્રને વોક આઉટ કરવાનો લાભ ન આપવા માટે કહીશું.

સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થવા જઈ રહ્યું છે. ચારુણીએ કહ્યું, ‘સંસદની બહાર અમે વિરોધ પ્રદર્શન કરીશું, જ્યાં સુધી તેઓ અમારી માંગણીઓ નહીં સાંભળે.’ તેમણે કહ્યું કે, દરેક કિસાન સંઘના પાંચ ખેડૂતોને વિરોધ પ્રદર્શનમાં જોડાવામાં આવશે. SKM એ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરની વધતી કિંમતો સામે 8 જુલાઈએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી છે.

તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ 8 જુલાઇના રોજ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનો પાર્ક કરે. સાથે જ તેમણે કહ્યું કે કાળજી રાખજો કે તેનાથી ટ્રાફિક જામ ન થાય. તેમણે પોતાના વિરોધમાં એલપીજી સિલિન્ડર લાવવાની માગ પણ કરી છે. પંજાબ યુનિયનો દ્વારા એવી પણ ઘોષણા કરવામાં આવી હતી કે રાજ્યમાં વીજ પુરવઠા સંદર્ભે પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. તેથી મુખ્ય પ્રધાન અમરિંદર સિંહના ‘મોતી મહેલ’ ઘેરાવ કાર્યક્રમને હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.

(12:22 pm IST)