Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બન્ને ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર : ઇલેક્ટોરલ વોટમાં ટાઇ થાય તો બાજી સેનેટના હાથમાં

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ રિપ્રેઝન્ટેટિવ્સની સંખ્યા 435 :કુલ સભ્યો નહીં રાજ્યોની દ્રષ્ટિએ વોટની પસંદગી થાય : રસપ્રદ ગણિત

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી હેઠળ મતગણતરી ચાલી રહી છે અને બંને ઉમેદવાર વચ્ચે જબરજસ્ત જંગ જોવા મળી રહ્યો છે. મોડી રાતના લીધે મતગણતરી બંધ રહી ત્યારે બિડેને સરસાઈ મેળવી હતી, પણ ટ્રમ્પ પણ તેમનાથી ખાસ પાછળ નથી. ચૂંટણી જીતવા માટે કુલ 538 બેઠકોમાંથી 270 ઇલેક્ટોરલ વોટનો આંકડો મેળવવો જરૂરી છે.

બંને વચ્ચે જારી રહેલી તીવ્ર રસાકસી જોતા આ ચૂંટણીમાં ઇલેક્ટોરલ વોટમાં ટાઇની સંભાવના પણ છે. કુલ ઇલેક્ટરની સંખ્યા 538 છે અને અડધી સંખ્યા 269 થાય છે. તેથી બહુમતી માટે 270નો આંકડો જરૂરી છે. હવે બંને ઉમેદવાર 269 ઇલેક્ટોરલ વોટ જીતે તો પછી પરિણામ જાહેર થવામાં મોડું થઈ શકે છે.

અહીં 435 રિપ્રેઝન્ટેટિવ પ્લસ 100 સેનેટર પ્લસ 3 ઇલેક્ટર વોશિંગ્ટન બરાબર 538 મત થાય છે. તેમા બહુમતી માટે 270ના મત જોઈએ છે. હવે જો આ ઇલેક્ટોરલ વોટમાં ટાઇ થાય તો શું થાય તે સૌથી મોટો સવાલ છે. આ સંજોગોમાં પ્રમુખ ચૂંટવાની સંપૂર્ણ પ્રક્રિયા અમેરિકાની સેનેટના હાથમાં હશે. આ માટે પહેલા નીચલું ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મતદાન થશે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ રિપ્રેઝન્ટેટિવ્સની સંખ્યા 435 છે, પરંતુ અહીં કુલ સભ્યો નહીં રાજ્યોની દ્રષ્ટિએ વોટની પસંદગી થાય છે. એટલે કે કોઈ રાજ્યમાં રિપબ્લિકનના છ રિપ્રેઝન્ટેટિવ છે અને ડેમોક્રેટ્સના બે છે તો એ રાજ્યના વોટ પણ રિપબ્લિકનના ખાતામાં થશે.

ઇલેક્ટરોલ વોટની પસંદગી ટાઇમાં જાય તો પહેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે નિમણૂક કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી થયા બાદ નવી સેનેટ રાષ્ટ્રપતિ કે પ્રમુખ માટે વોટ કરશે. હવે જો ત્યાં પણ સંમતિ ન બને તો પછી હાઉસનાસ્પીકરને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે. એટલે કે હાલના સ્પીકર નેન્સી પેલોસી કાર્યકારી રાષ્ટ્રપતિ બની શકે. જો કે તેમનો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે 36નો આંકડો છે. જો કે તેમા એક અડચણ એ છે કે આ ચૂંટણી માટેનું મતદાનનવા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ જ કરશે, જેના પછી નિયમ મુજબ તમામ સેનેટર બીજી વખત 14 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની પસંદગી કરશે.

(7:39 pm IST)