Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અંતે નીતિનભાઈ પટેલે દલિત સમાજની માંગી માફી : કહ્યું - હું મારા શબ્દોને પરત ખેચુ છું

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં કર્યો હતો જાતિ સૂચક શબ્દનો પ્રયોગ

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સ્વ. કનોડીયાને ટાંકીને દલિત સમુદાય માટે જાતિ સૂચક શબ્દનો પ્રયોગ કરાયા બાદ  વિરોધ થયો હતો ત્યારબાદ નીતિનભાઈ પટેલે ટ્વીટ કરીને માફી માંગી છે અને કહ્યુ છે કે હું મારા શબ્દોને પરત ખેચુ છું.

 રાજ્યમાં વિવિધ દલિત સમાજ દ્વારા 24 કલાકમાં માફી માંગવા અંગે માંગ કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરી માફી માંગતા કહ્યુ કે, “મોરબીમાં એક જાહેરસભામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલ અને ગુજરાતના દિગ્ગજ અભિનેતા સ્વ.મહેશ કનોડીયા તથા સ્વ. નરેશ કનોડિયાના ગાંધીનગરના નિવાસસ્થાને જઇ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ  મોદીએ શ્રદ્ધાંજલિ આપી ત્રણેય નેતાઓ માટે આદરની લાગણી વ્યક્ત કરી હતી. તેવી હકીકતના વર્ણન વખતે મારા પ્રવચનમાં જે શબ્દ પ્રયોગ મે કર્યો હતો તે શબ્દના કારણે જે લાગણી દુભાઇ છે તેને ધ્યાનમાં રાખીને હું તે શબ્દો પાછા ખેચુ છું. કોઇની લાગણી દુભાવવાનો મારો કોઇ ઇરાદો હતો નહી અને હોઇ શકે પણ નહી.”

“સ્વ. નરેશ કનોડીયાને મારા દ્વારા જ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને દરરોજ દિવસમાં બે વખત ફોન કરી હું તેમની તબીયતના ખબર અંતર પૂછતો હતો અને તેમના દિકરા હિતુ કનોડીયા સાથે પણ હું સતત સંપર્કમાં હતો. જે અમારા વર્ષો જુના સબંધો અને અરસ-પરસનો સ્નેહ-પ્રેમ બતાવે છે. ત્રણેય સ્વ. નેતાઓને મારી હદય પૂર્વકની શ્રદ્ધાંજલિ સહ ઓમ શાંતિ.”

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના મેઘાણીનગરમાં મંગળવારે પેંથરના કાર્યકર્તાઓ દ્વારા નીતિનભાઈ પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિવિધ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાથે જ નીતિન પટેલ જાહેરમાં માફી નહી માંગે તો ઝલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. યુવા ભીમસેના દ્રારા નીતિનભાઈ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા બાબતે રાજકોટ પોલીસ કમિશ્નર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી

 

(6:35 pm IST)