Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

‘બાબા કા ઢાબા' સંબંધિત કેસની તપાસ વચ્‍ચે યુટયુબર ગૌરવ વાસનનો દાવોઃ મેં 3.78 લાખની મદદ કરી હતી

નવી દિલ્હી: દક્ષિણી દિલ્હીના માલવીય નગરમાં લોકપ્રિય ભોજનાલય 'બાબા કા ઢાબા' સંબંધિત કેસની તપાસ વચ્ચે યુટ્યૂબર ગૌરવ વાસને કહ્યું કે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમણે ઢાબાના માલિકને 3.78 લાખ રૂપિયાની મદદ સોંપી હતી. વાસને બાબા કા ઢાબાના માલિકનો વીડિયો યુટ્યૂબ પર બનાવીને અપલોડ કર્યો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો અને લોકો ઢાબાના માલિકની મદદ માટે આગળ આવ્યા હતા.

યુટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ધનની હેરાફેરીની ફરિયાદ

વીડિયો વાયરલ થયાના એક મહિના બાદ ઢાબા માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર તથા યુટ્યૂબર ગૌરવ વાસન વિરુદ્ધ ધનની હેરાફેરીની ફરિયાદ નોંધાવી. તેમણે કહ્યું કે તેમને વાસન પાસેથી 2.33 લાખ રૂપિયાનો ચેક મળ્યો. જ્યારે બાકી રકમ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમને કોઈ જાણકારી નથી કે તેમના નામ પર વાસને કેટલા રૂપિયા ભેગા કર્યા. આ અંગે કા તો વાસનને કે પછી પૈસા આપનારાને ખબર હશે.

ખોટા દાવા કરીને મને બદનામ કરાઈ રહ્યો છે-વાસન

આ આરોપોને ફગાવતા વાસને કહ્યું કે ખોટા દાવા કરીને મને બદનામ કરવામાં આવી રહ્યો છે. તેઓ કહે છે કે બેન્ક ખાતામાં મદદ માટે 25 લાખ રૂપિયા આવ્યા જે બિલકુલ સાચુ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને મદદ માટે કેટલા રૂપિયા મળ્યા તો વાસને કહ્યું કે તેમની પાસે આ અંગે લગભગ 3.78 રૂપિયા આવ્યા હતા જેમાંથી પેટીએમથી મળેલી રકમ પણ સામેલ છે. તેમણે દાવો કર્યો કે તેમણે બે ચેક તેમને (ઢાબા માલિક)ને આપ્યા. એક ચેક એક લાખ રૂપિયાનો જ્યારે બીજો ચેક 2.33 લાખ રૂપિયાનો હતો જ્યારે 45,000 રૂપિયા કાંતાપ્રસાદને પેટીએમ દ્વારા આપ્યા.

(5:28 pm IST)