Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ટ્રમ્પ કે બિડેન

બંનેમાંથી ભારત માટે કોણ ફાયદેમંદ?

નવી દિલ્હી, તા.૪: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની ઘડી નજીક આવી ગઈ છે. આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન... જલદી નક્કી થઈ જશે. આ પરિણામમાં પ્રત્યક્ષ રીતે ભાગીદારી ભલે અમેરિકનોની દેખાતી હોય પરંતુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકનોને કોઈ પણ નજરઅંદાજ કરી શકયું નથી. આ વખતે પણ અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન. બંને તરફથી ભારતીયોને લોભાવવાની કોશિશો સતત થઈ રહી. ભારતીય પરંપરાઓ, રીતિ રિવાજો, પૂજાપાઠ અને ખાણીપીણી સુદ્ઘા બધુ અમેરિકી ચૂંટણીમાં જોવા મળ્યું. સવાલ એ ઉઠે છે કે ચૂંટણી બાદ અમેરિકાની થાળીમાં ભારત માટે શું?

ચૂંટણી પરિણામોની અસર?

જાણકારોનું માનવું છે કે ટ્રમ્પ કે બાઈડેન જે પણ જીતે પરંતુ ભારત સાથેના સંબંધો પર કોઈ અસર પડવાની નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને મોદી સરકાર વચ્ચે બનેલા સારા સંબંધો કોઈથી છૂપાયેલા નથી. હ્યુસ્ટનનો 'હાઉડી મોદી' કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મિત્રતાનો સાક્ષી છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે પણ આ વાતનો અનેકવાર ઉલ્લેખ કર્યો. ત્યારબાદ ટ્રમ્પનો ભારત પ્રવાસ પણ દુનિયાએ જોયો. ગુજરાત હોય કે તાજમહેલના દીદાર મોદીએ  મિત્ર ટ્રમ્પની મેજબાનીમાં કોઈ કસર છોડી નહતી.

ભારત માટે બાઈડેન-ટ્રમ્પની ભૂમિકા

આ બાજુ અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનો રેકોર્ડ પણ ભારત સાથે સારા સંબંધોનો રહ્યો છે. બાઈડેનના બરાક ઓબામાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ તરીકે મજબૂત ભારત-અમેરિકા સંબંધોની વકિલાત કરવાનો એક મજબૂત રેકોર્ડ છે. રિપબ્લિકન પ્રશાસન દરમિયાન પણ બાઈડેને ઉપ રાષ્ટ્રપતિ તરીકે ભારતનો સાથ આપ્યો. ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સંધિ પાસ કરવા અને દ્વિપક્ષીય વેપારમાં ૫૦૦ અબજ અમેરિકી ડોલરનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં બાઈડેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ કારણે બાઈડેનના ભારતીય નેતૃત્વ સાથે મજબૂત સંબંધ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે બાઈડેનની જીત ભારતના બજારો માટે સકારાત્મક રહેશે.

બાઈડેનનો દ્રષ્ટિકોણ

આ સાથે જ બાઈડેનની કોર ટીમમાં ભારતીયોની મોટી સંખ્યા છે. તેમના તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ ભારતીય મૂળના છે તો બાઈડેનના બે પ્રમુખ સલાહકાર પણ ભારતીય મૂળના છે. આ ઉપરાંત બાઈડેન અનેકવાર ચૂંટણી પ્રચાર વખતે કહી ચૂકયા છે કે ભારત સાથે મજબૂત સંબંધોને ઓબામા-બાઈડેન પ્રશાસને હંમેશા પ્રાથમિકતા આપી. જો હું રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવીશ તો તે અત્યારે પણ ઉચ્ચ પ્રાથમિકતા હશે. આ નિવેદન હાલમાં જ દિલ્હીમાં પૂરી થયેલી ૨ પ્લસ ૨ મંત્રીસ્તરની બેઠક બાદ આવ્યું હતું.

આ બાજુ ટ્રમ્પની વાપસીથી ચીનને વૈશ્વિક સ્તરે બેનકાબ કરવામાં સફળતા મળશે. આ વિષય પર બંને દેશોના જોઈન્ટ હિત છે. ભારત અને અમેરિકા હાલ આ દિશામાં વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. આ સાથે જ ટ્રમ્પ પ્રશાસન દરમિયાન થયેલા રક્ષા અને ઉર્જાના ક્ષેત્રના કરારને બળ મળશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર પણ સકારાત્મક પહેલની આશા છે.

ટ્રમ્પની વાપસીથી દ્વિપક્ષીય વેપાર, વિદેશી કામદારોના વિઝા સંબંધિત પ્રશ્નો પર મતભેદ યથાવત રહેવાની આશંકા છે. ટ્રમ્પ પ્રશાસન ભારત સાથે કોઈ મોટો વેપાર કરાર અંજામ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો છે. જયારે ભારત અને અમેરિકા બંને આ દિશામાં આગળ વધવાની આશા જતાવતા રહ્યા છે.

કેમ ખાસ છે ભારતની ભાગીદારી?

હકીકતમાં અમેરિકામાં ભારતીય મૂળના ૪૦ લાખ લોકો છે. જેમાંથી ૨૦ લાખ જેટલા લોકો મતાધિકાર ધરાવે છે. અમેરિકાના એરિઝોના, ફ્લોરિડા, જયોર્જિયા, મિશિગન, અને ટેકસાસ સહિત ૮ સીટો પર  ભારતીય મતદારો અસરકારક છે. રાજકીય રીતે પણ અહીં ભારતીય મૂળના લોકો શકિતશાળી છે. કુલ ૫ સાંસદ ભારતીય મૂળના છે. અમેરિકામાં કુલ ૧૨ ટકા ભારતીય વૈજ્ઞાનિક છે. NASAમાં ૩૬ ટકા વૈજ્ઞાનિક ભારતીય છે. જયારે ૩૮ ટકા ડોકટરો ભારતીય છે. અમેરિકામાં મોટી ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટના ૩૪ ટકા કર્મચારીઓ ભારતીય મૂળના છે. આ ઉપરાંત ઝેરોકસમાં પણ ભારતીયોનો કબજો છે. અહીં ૧૩ ટકા ભારતીયો કામ કરે છે. આઈબીએમના કર્મચારીઓમાં પણ ભારતીય મૂળના કર્મચારીઓની સંખ્યા ૨૮ ટકા છે. આથી કરીને ભારત માટે અમેરિકાની ચૂંટણી અને અમેરિકા માટે ભારતીય ખાસ મહત્વ ધરાવે છે.

(3:29 pm IST)