Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ટવિટરે ટવીટ બ્લોક કર્યુ

ટ્રમ્પે જો બાઇડન પર લગાવ્યો મત ચોરવાનો આરોપ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવારે ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન પર ગંભીર આરોપ લગાવ્યો છે

વોશિંગ્ટન, તા.૪: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, હાલ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યુ છે કે 'તેઓ આજે રાત્રે (અમેરિકન સમય પ્રમાણે)'મોટી જાહેરાત કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન પર વોટ ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે ખૂબ આગળ છીએ, પરંતુ તેઓ વોટ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ. મતદાન બંધ થયા પછી મત ન નાખી શકાય!

અન્ય એક ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, હું આજે રાત્રે મોટી જાહેરાત કરીશ. એક મોટી જીત!

જોકે, ટ્ર્મ્પના આ ટ્વીટને ટ્વિટર તરફથી બ્લોક કરી દેવામાં આવ્યું છે. ટ્રમ્પના ટ્વીટના ઉપરની બાજુએ માઇક્રો બ્લોગિંગ સાઇટે લખ્યું છે કે, આ ટ્વીટમાં જાહેર કરવામાં આવેલી સંપૂર્ણ અથવા થોડી સામગ્રી વિવાદિત છે. આ ચૂંટણી કે ચૂંટણી પ્રક્રિયા માટે ભ્રામક હોઈ શકે છે.

ચૂંટણી પરિણામની વાત કરીએ તો અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડને ન્યૂઝર્સી અને ન્યૂયોર્કમાં જીત નોંધાવી છે. જયારે ડોનાલ્ડ ટ્રમ્પ અનેક મહત્ત્વપૂર્ણ રાજયમાં આગળ ચાલી રહ્યા છે. ન્યૂયોર્કમાંથી બાઇડનને ૨૨ લાખ અને ટ્રમ્પને ૧૨ લાખ મત મળ્યાં છે.

'ન્યુયોર્ક ટાઇમ્સ'ના સમાચાર પ્રમાણે પૂર્વ ઉપ રાષ્ટ્રપ્રમુખ કોલારાડો, કેનેકિટકટ, ડેલાવેયર, ઇલિયોનસ, મૈસાચુસેટ્સ, ન્યૂ મેકિસકો, વરમોન્ટ અને વર્જિનિયામાં જીત મેળવી લીધી છે. જયારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અલાબામા, અર્કાસસ, લુઇસિયાના, મિસિસીપી, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓકલાહામા, સાઉથ ડાકોટા, ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, બ્યોમિંગ, ઇન્ડિયાના અને સાઉથ કેરોલિનામાં આગળ ચાલી રહ્યા છે.

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મંગળવારે રાત્રે મતગણતરી શરૂ થઈ હતી. લગભગ અડધી મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે જો બાઇડન આગળ ચાલી રહ્યા છે. જોકે, રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ વધારે પાછળ નથી.

(3:28 pm IST)