Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

એકટર ફરાઝ ખાનનું ૪૬ વર્ષની વયે નિધન

લાંબા સમયથી હતા બીમારઃ બેંગલુરૂની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી, તા.૪: બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ૨૦૨૦નું વર્ષ ખુબ જ ખરાબ રહ્યું છે. ફરી એક વાર દુખદ ખબર સામે આવી છે અને આ વખતે એકટ્રેસ રાની મુખર્જી સાથે મહેંદી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એકટર ફરાઝ ખાનનું ૪૬ ૪૬ વર્ષની ઉંમરમાં નિધન થયુ છે.

એકટરના નિધનથી ઇન્ડસ્ટ્રીનો મોટો ઝટકો લાગ્યો છે. ફરાઝના નિધન પર પૂજા ભટ્ટે ટ્વિટ કરી છે અને દુઃખ પ્રગટ કર્યુ છે.

 પૂજા ભટ્ટે લખ્યું કે, હું ખુબ ભારે મન સાથે આ ખબર શેર કરી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને જઇ ચૂકયા છે. આ વાત પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ છે.

થોડા સમય પહેલા પૂજાએ ફરાઝ માટે આર્થિક સહાયતા માટેની પોસ્ટ મુકી હતી. જે બાદ સલમાન ખાને બધા જ બિલ ભરી દીધા હતા. ફરાઝની આર્થિક સ્થિતિ ઠીક ન હતી અને તેના ઇલાજ માટે લોકો પાસે મદદ માંગી હતી.

ફરાઝ ખાનની હાલત છેલ્લા થોડા સમયથી ખરાબ હતી, બેંગ્લોરની એક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો, તેમને ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર હતો. જેના કારણે તેમને વેન્ટીલેશન પર રાખવામાં આવ્યા હતા.

ફરાઝ રાની મુખર્જી સાથે મહેંદી, દુલ્હન બનુ મેં તેરી અને ફરેબ સહિત બોલિવૂડની ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકયા છે. ફરાઝની ફિલ્મ ફરેબનું ગીત તેરી આંખે ઝૂકી ઝૂકી ઘણુ જ હિટ રહ્યું હતું.

(2:55 pm IST)