Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

બેલ્જિયમમાં લોકડાઉનથી હીરા ઉદ્યોગ ફરી લોક થવાની ભીતિ

ભારતનો પોલિશ્ડ ડાયમંડનો ૬% વેપાર બેલ્જિયમમાં

નવી દિલ્હી, તા.૪: બેલ્જિયમમાં ફરી કોરોના સંક્રમણના કેસો વધવા સાથે છેલ્લા બે મહિનામાં બે હજાર લોકોનાં મોત થતાં બેલ્જિયમ સરકારે એન્ટવર્પ સહિત દેશમાં તા.૧૩મી ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન જાહેર કર્યુ છે. નાતાલની સિઝન પહેલાં લોકડાઉન જાહેર થતાં સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી છે. જો કે, ઉદ્યોગકારોનું કહેવું છે કે, બીજા દેશોના હીરા ઉદ્યોગકારોને એન્ટવર્પમાં અવરજવર કરવા છૂટછાટ આપવામાં આવી છે. જો સ્થાનિક વેપારીઓ વેપારથી દૂર રહેશે તો પોલિશ્ડ ડાયમંડ વેચવામાં અને રફ ઇમ્પોર્ટ કરવામાં મુશ્કેલી ઊભી થશે.

એક અંદાજ પ્રમાણે ૫૦ ટકાથી વધુ રફ ડાયમંડનો સ્ટોક બેલ્જિયમથી ઇમ્પોર્ટ થાય છે. હીરા ઉદ્યોગકાર અને ડીઆઈસીએફના નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, ત્યાંની સરકાર દ્વારા ઉદ્યોગો માટે અમુક છૂટછાટો જાહેર કરવામાં આવી છે. પરંતુ લોકલ એન્ટવર્પના ઉદ્યોગકારો જો ઓફિસ ખોલશે તો કોઇ મોટી મુશ્કેલી નહીં નડે. પણ સ્થાનિક ઉદ્યોગકારો લોકડાઉનમાં જોડાશે તો રફ ડાયમંડની અછત સર્જાઇ શકે છે.

કારણ કે, મોટો જથ્થો બેલ્જિયમથી ભારતમાં આવે છે. જીજેઇપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, મોટા ભાગે પોલિશ્ડનો વેપાર અમેરિકા સાથે છે. દિવાળી પછી તરત જ ક્રિસમસની સિઝન છે. બેલ્જિયમ લોકડાઉનથી રફ ડાયમંડની ખરીદીને અસર થઈ શકે. જે લોકો ત્યાં જઈને રફ ખરીદતા હોઈ તેઓ હવે કોરોના સંક્રમણને લીધે જવાનું ટાળશે. જો કે, પોલિશ્ડ ડાયમંડનો માત્ર ૬ ટકાનો વેપાર ભારતથી બેલ્જિયમમાં થાય છે.

હીરા ઉદ્યોગકારો દ્વારા એક આશાવાદ જાહેર કરાયો છેક, લોકડાઉન પછી સુરતના હીરા બજારમાં એક માસ સુધી રફ ડાયમંડ નહીં ખરીદવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો. તે દરમિયાન પોલિશ્ડ ડાયમંડનું માર્કેટ મજબૂત થયું હતું. જો હવે ફરી રફ ડાયમંડની અછત થાય તો પોલિશ્ડ ડાયમંડ દર ઉંચકાશે તો તેનો સીધો લાભ હીરા ઉદ્યોગકારોને થશે.કોરોના સંક્રમણ દરમિયાન સપ્ટેમ્બર માસથી હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરિયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે સુરતના જિલ્લા અને ડેપ્યુટી લેબર કમિશનરને આવેદન પત્ર આપી રત્ન કલાકારોને દિવાળીના બોનસ સાથે પૂરો પગાર અપાવવા માંગ કરી છે.

(2:52 pm IST)