Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

તેલંગાણાના કપાસ ઉત્પાદકોને મોટી રાહત: CCI બધો જ પાક ખરીદી લેશે

કપાસના સંપૂર્ણ પાકની ટેકાના ભાવે પ્રાપ્તિ કરવાનો નિર્ણય

મુંબઇઃ તેલંગાણાના કપાસ ઉત્પાદકો માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે અને આ વખતે તેમણે પોતાનો પાક વેચવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. કારણ કે, આ વખતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ તેલંગાણામાં ઉત્પન્ન થનાર કપાસના સંપૂર્ણ પાકની ટેકાના ભાવે પ્રાપ્તિ કરવાનો નિર્ણય લીધો છે.

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ના ચેરમેન પ્રદીપ કુમાર અગ્રવાલે કહ્યુ કે, સીસીઆઇ તેલંગાણામાં કપાસનો સંપૂર્ણ પાક લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પ્રતિ ક્વિન્ટલ રૂ. 5825ના ભાવે પ્રાપ્તિ કરશે. આ માહિતી તેલંગાણાના કૃષિ મંત્રી સિંગીરેડ્ડી નિરંજન રેડ્ડીએ આપી છે.

રેડ્ડીએ પોતાના મુંબઇ પ્રવાસ દરમિયાન સીસીઆઇના ચેરમેન સાથે મુલાકાત કરી અને તેમને કહ્યુ કે, તેલંગાણામાં તાજેતરમાં મુશળધાર વરસાદથી કપાસના પાકમાં ભેજ વધી ગયુ છે જેનાથી સીસીઆઇએ ભેજનું પ્રમાણ 12 ટકા સુધી સ્વીકાર કરવુ જોઇએ. સીસીઆઇ એ વર્ષ 2019-20માં તેલંગાણામાં 49.56 લાખ ગાંસડી કપાસની પ્રાપ્તિ કરી હતી જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 9.28 લાખ ગાંસડીની જ પ્રાપ્તિ કરી છે.

તેમણે કહ્યુ કે, અમે સીસીઆઇને જૂનો સ્ટોક ઉપાડી લેવા કહ્યુ છે જેથી નવા પાકનો સંગ્રહ કરી શકાય. સીસીઆઇને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની સાથે અદિલાબાદમાં કોટન રિસર્ચ સેન્ટર સ્થાપવા સહયોગ કરવાની પણ અપિલ કરી છે. દેશમાં ઉત્પન્ન થતા કુલ કોટનમાં તેલંગાણા 40 ટકા યોગદાન આપે છે.

(2:38 pm IST)