Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ ચાલ્યો : 560 વોર્ડમાંથી કોંગ્રેસે 261માં માર્યું મેદાન: ભાજપની 242 વોર્ડમાં જીત

57 વોર્ડમાં અપક્ષો વિજયી : છ કોર્પોરેશનમાંથી ત્રણમાં કોંગ્રેસ: બે કોર્પોરેશન ભાજપ પાસે અને એકમાં અપક્ષોનો દબદબો

રાજસ્થાનનાં ત્રણ મોટાં શહેરોમાં થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે અશોક ગેહલોતની આગેવાની તળે ભાજપને હંફાવ્યો હતો. જયપુર જોધપુર અને કોટાના કુલ 560 વોર્ડમાંથી કોંગ્રેસે 261 અને ભાજપે 242 વોર્ડમાં વિજય મેળવ્યો હતો. 57 વોર્ડમાં અપક્ષો વિજયી નીવડ્યા હતા. છ  કોર્પોરેશનમાંથી ત્રણમાં કોંગ્રેસે વિજય પ્રાપ્ત કર્યો હતો. બે કોર્પોરેશન ભાજપ પાસે  રહ્યા હતા અને એકમાં અપક્ષોનો દબદબો રહ્યો હતો.

એક વર્ષ પહેલાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે બે નિગમ-બે મેયરનો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો જે કામિયાબ નીવડ્યો હતો. ગયા વરસે ઓક્ટોબરની 14મીએ સત્તા પર આવતાં વેંત કોંગ્રેસની સરકારે ત્રણ કોર્પોરેશનને છમાં તબદીલ કર્યા હતા. ત્રણે શહેરોનાં કુલ 221 વોર્ડને 560 વોર્ડમાં પરિવર્તિત કર્યા હતા. જો કે એ વખતે ભારે વિરોધ અને હો હા થયાં હતાં. પરંતુ ગેહલોતે કોની વાત સાંભળી નહોતી.

નગર નિગમમાં જયપુર હેરિટેજ વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે જયપુર ગ્રેટરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જોધપુર ઉત્તરમાં ભાજપ અને દક્ષિણમાં કોંગ્રેસ મોખરે રહ્યો હતો. કોટામાં ઉત્તરમાં કોંગ્રેસની આગેકૂચ હતી જ્યારે દક્ષિણમાં કોંગ્રેસ અને ભાજપ સરખી બેઠકો જીત્યા હતા. અહીં અપક્ષોનો દબદબો રહ્યો હતો.

(1:51 pm IST)