Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કોરોનાઃ ચીનની દાદાગીરી અને WHOની બેદરકારીનો ભોગ બની દુનિયા

WHO એ શરૂઆતમાં અપાયેલી ચેતવણીને નજર અંદાજ કરી

વિયેના, તા.૪: કોરોના વાયરસના કહેરને રોકવામાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની ભૂમિકાને લઈને ઘણી વખત શંકા વ્યકત કરવામાં આવતી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુકત રાષ્ટ્રના આ સંગઠનને ચીનનું ગુલામ કહી ચૂકયા છે. ફેબ્રુઆરીના મધ્યમાં જયારે કોરોના વાયરસનો કહેર ધીરે-ધીરે વધી રહ્યો હતો, ત્યારે WHOની એક ટીમ તપાસ માટે ચીન પહોંચી હતી. આ ટીમને તપાસ કરવાની હતી કે, આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં કઈ રીતે પહોંચ્યો.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, એ સમય સુધીમાં કોરોના વાયરસથી ચીનની બહાર માત્ર એ લોકોના મોતની જાણકારી આપવામાં આવી હતી. ચીન અને દુનિયાભરના વૈજ્ઞાનિકોને એવી આશા હતી કે, આ વાયરસ પશુઓમાં ફેલાવવાનો સોર્સ મળવાથી તેને રોકવાનું સરળ થઈ જશે. ત્યારે WHOના ડિઝાસ્ટર ડિરેકટર ડો. માઈક રેયાને કહ્યું હતું કે, જો આપણે આ વાયરસના સોર્સને જાણી નહીં શકીએ તો ભવિષ્યમાં આપણે તેની ઝપેટમાં ઝડપથી આવી જઈશું. આ વાયરસનો સોર્સ જાણવો એ દ્યણું જરૂરી આગામી પગલું છે.

ચીને નહોંતી આપી તપાસની મંજૂરી

પરંતુ, વિશ્વ આરોગ્ય સંગઠનની આ ટીમને એ સમયે જાણ ન હતી કે, ચીનમાં તેને આ વાયરસના સોર્સની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ડો. રેયાન અને ડિઝાસ્ટર સમિતિની સલાહ છતાં WHOના નેતૃત્વએ ચૂપચાપ વાતચીતની શરતોમાં પોતાના એકસપર્ટસની સલાહને નજરઅંદાજ કરી દીધી. આ વાયરસના સંક્રમણને લઈને ચીનની પ્રારંભિક પ્રતિક્રિયા પર સવાલ પણ ન કર્યા અને વુહાન શહેરના એ વેટ એનિમલ માર્કેટમાં પણ ન ગયા, જયાંથી આ વાયરસ ઉત્પન્ન થયાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

એ દિવસના ૯ મહિના પછી જયારે દુનિયાભરમાં લગભગ ૧૨ લાખથી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે, ત્યારે પણ દુનિયાને આ વાયરસની ઉત્પત્તિ વિશે કોઈ પારદર્શી અને સ્વતંત્ર તપાસ નથી થઈ. ચીને બહારની તપાસના દરેક પ્રયાસમાં અડચણ ઊભી કરી છે. ત્યાં સુધી તેણે હજુ સુધી વિશ્વ આરોગ્ય સંગઠનની તપાસ ટીમને માત્ર આપવા ખાતર મંજૂરી આપી છે. WHOએ ચીનના જે તજજ્ઞોની યાદી સોંપી છે, તેના પર પણ હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો.

આ મહામારી શરૂ થવાના સમયથી જ દુનિયાભરમાં સ્વાસ્થ્યના મામલા પર નજર રાખનારી એકમાત્ર સંસ્થા લાચાર અને શાંત થઈ ગઈ હતી. આ સંસ્થાએ સમયસર જાણકારી ન આપી અને યોગ્ય તપાસ પણ ન કરી. આ બેદરકારીનો દુનિયાભરના દેશોએ કિંમત ચૂકવવી પડી. આ એજન્સીએ તપાસ કીટ કે વેકસીન વિશે પણ કોઈ જાણકારી ન આપી. એટલું જ નહીં, તેણે કોરોનાની સારવાર અંગે પણ કંઈ ન જણાવ્યું.

જયાં સુધી યુરોપ અને અમેરિકા સહિત મોટાભાગના દેશોમાં કોરોના વાયરસની તપાસ કીટને વિકસિત કરાઈ, ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. એ સમયે આ વાયરસના મામલે દુનિયાના લગભગ દરેક દેશમાં થોડી-થોડી સંખ્યામાંનજર આવવા લાગ્યા હતા. બાદમાં આ સંખ્યામાં એટલો વધારો થયો કે, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, ઈટાલી જેવા વિકસિત દેશ પણ આ વાયરસના કહેરમાંથી બહાર ન આવી શકયા.

(11:22 am IST)