Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

મિરેકલ બેબીઃ યુપી જઈ રહેલી ટ્રેનના ટોઇલેટમાં પાલઘર સ્ટેશને મહિલાની ડિલિવરી

ગુજરાતી ડોકટર નજીકની હોસ્પિટલમાંથી દોડયા અને ડિલિવરી કરાવીઃ આ ઉપરાંત મા-દીકરો બંને સ્ટેબલ થયાં ત્યાં સુધી પોતાની હોસ્પિટલમાં ફ્રી સારવાર આપી

મુંબઇ, તા.૪: નાલાસોપારા-ઈસ્ટના સંતોષ ભુવનમાં રહેતી ૨૭ વર્ષની ગુડિયા વિશ્વકર્મા નામની મહિલા ૧૯૦૪૧ ડાઉન બાંદરા-ગાઝીપુર કોવિડ સ્પેશ્યલ ટ્રેનમાં સોમવારે જઈ રહી હતી ત્યારે પાલઘર પહોંચતાં તેણે ટ્રેનના ટોઇલેટમાં પોણાબે કિલો વજન ધરાવતા બેબીબોયને જન્મ આપ્યો હતો. ટ્રેનમાં જ તેને દુખાવો ઊપડતાં ટોઇલેટની અંદર તેની અડધી ડિલિવરી થઈ ગઈ હતી. જોકે પાલઘરના એક ગુજરાતી ડોકટરે તેની ત્યાં જ ડિલિવરી કરાવીને તેને સારવાર માટે પોતાની હોસ્પિટલમાં એડિમટ કરી હતી અને નિઃશુલ્ક સેવા આપીને માનવતા દેખાડી હતી. ઉલ્લેખનીય છે કે આ બનાવને કારણે એ ટ્રેને પાલઘરમાં અનશેડ્યુલ હોલ્ટ લેવો પડયો હતો.

ગુડિયા વિશ્વકર્મા ૭ મહિનાની પ્રેગ્નન્ટ હતી. તે તેના કાર્પેન્ટર પતિ રાજેશ અને પાંચ વર્ષની દીકરી આયુષી સાથે એસ-૧૨ કોચમાં પ્રવાસ કરી રહી હતી. ટ્રેન વિરાર પહોંચી રહી હતી ત્યારે મહિલાને ભારે લેબર પેઇન શરૂ થયું હતું. ત્યાર બાદ તે કોચના ઇન્ડિયન સ્ટાઇલ ટોઇલેટમાં ગઈ અને પોતાને અંદરથી લોક કરી દઈ બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી એથી તેના પતિ રાજેશે ટ્રેનના ટીટીઈને જાણ કરી હતી. આ સ્પેશ્યલ કેસમાં ટ્રેને પાલદ્યરમાં સોમવારે આશરે રાતે સાડાબાર વાગ્યે અનશેડ્યુલ હોલ્ટ લીધો અને ટ્રાફિક કન્ટ્રોલને એની જાણ કરવામાં આવી હતી.

આ બનાવ વિશે પાલઘર-વેસ્ટમાં સ્ટેશનની બહાર આવેલી કાંતા હોસ્પિટલના ડો. રાજેશ ચૌહાણે કહ્યું હતું કે 'સ્ટેશનથી થોડે દૂર મારી હોસ્પિટલ હોવાથી રેલવે પોલીસ આવા કિસ્સામાં મારો સંપર્ક કરતા હોય છે. રાતે હું મારા સ્ટાફ સાથે કોચના ટોઇલેટ પાસે પહોંચ્યો અને ટોઇલેટની અંદર માંડ-માંડ પ્રવેશી શકયા હતા. મહિલા પ્રવાસીની અડધી ડિલિવરી થઈ ગઈ હતી અને અડધી બાકી હોવાથી અમે ત્યાં જ તેની ડિલિવરી કરાવી હતી. મહિલા લોહીલુહાણ હોવાથી તેની હાલત ખરાબ હતી. એમ્બ્યુલન્સ ન હોવાથી બેબીબોયને મેં ઉપાડ્યો અને મહિલાને સ્ટ્રેચર પર લઈ જવાઈ હતી. મારી હોસ્પિટલમાં લાવીને મહિલા અને તેના બાળકની સારવાર કરી હતી. સારવાર બાદ હવે બન્નેની તબિયત સારી છે. મહિલાની ડ્યુ ડેટ ડિસેમ્બરમાં હતી. દંપતી એકલું રહેતું હોવાથી તેઓ ડિલિવરી માટે તેમના વતન યુપી જઈ રહ્યાં હતાં. તેમને યુપી જવાનું હોવાથી મેં તેમને ડિસ્ચાર્જ આપી દીધો છે. મને બિલ માટે ફોન આવ્યો હતો, પરંતુ આ એક પ્રકારની સેવા હોવાથી મેં પૈસા લેવાની ના પાડી દીધી હતી. આ રીતે મેં વેસ્ટર્ન રેલવે દ્વારા લોકડાઉનમાં અપાઈ રહેલી આવી સેવાને સેલ્યુટ કરી છે.

પાલઘરના વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યા પ્રમાણે 'લોકડાઉન દરમ્યાન આ પહેલી ડિલિવરી છે જે ટોઇલેટની અંદર થઈ હતી. ડો. ચૌહાણને મેડિકલ-બિલ વિશે પૂછતાં તેમણે બિલ લેવાની ના પાડી હતી.'

(11:21 am IST)