Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

માથેરાન ટ્રેન આજથી ફરી શરૂ

પ્રવાસીઓ માટે અમન લોજ અને માથેરાન વચ્ચે સર્વિસ શરૂ થશે

નવી દિલ્હી,તા.૪ : આખરે માથેરાન ટ્રેન-સર્વિસ આજથી જાહેર જનતા માટે પુનઃ શરૂ થશે. સેન્ટ્રલ રેલવે (સીઆર)એ મંગળવારે સત્ત્।ાવાર જાહેરાત કરી હતી કે અમન લોજ અને માથેરાન વચ્ચેની ટ્રેન-સર્વિસ ચોથી નવેમ્બરથી જાહેર જનતા તથા નૂર માટે પુનઃ શરૂ કરાશે.

લોકડાઉન દરમિયાન સર્વિસ બે વખત શરૂ કરાઈ હતી, પણ એ જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા નૂર માટે હતી. બાવીસ માર્ચે લોકડાઉન લાગુ થયું, ત્યાર બાદ જાહેર જનતા માટે પ્રથમ વખત આ ટ્રેન- સર્વિસ શરૂ થઈ રહી છે.

 સીઆરના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ૧૮ મિનિટ લાંબી મુસાફરી પર ચાર વખત ટ્રેન દોડાવાશે. પ્રથમ ટ્રેન સવારે સાડાનવે માથેરાનથી શરૂ થશે જે સવારે ૯.૪૮ વાગ્યે અમન લોજ પહોંચશે.

 અમન લોજથી ટ્રેન સવારે ૯.૫૫ વાગ્યે ઊપડશે, જે ૧૦.૧૩ વાગ્યે માથેરાન પહોંચશે. સાંજે ચાર વાગ્યે માથેરાનથી ટ્રેન ઊપડશે અને ૪.૧૮ વાગ્યે અમન લોજ પહોંચશે. અમન લોજથી સાંજે ૪.૨૫ વાગ્યે ઊપડતી ટ્રેન ૪.૪૩ વાગ્યે માથેરાન પહોંચશે, એમ તેમણે જણાવ્યું હતું.

 તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 'ટ્રેનમાં ત્રણ સેકન્ડ કલાસ, એક ફર્સ્ટ કલાસ અને એક લગેજ વેન હશે. પેસેન્જરો ટ્રેનમાં બેસતી વખતે, મુસાફરી કરતી વખતે અને ગંતવ્ય સ્થાને પહોંચતી વખતે તમામ નિયમો તથા કોરોનાને લગતી માર્ગદર્શિકાનું પાલન કરે એ હિતાવહ છે.'

(11:20 am IST)