Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સરકારે આપી છૂટ

ઇન્ફ્રામાં ૧૦૦% કરમુકિત મેળવનાર પ્રથમ ફંડ બનતું અબુધાબી સોવરિન

નવી દિલ્હી તા. ૪ :.. ભારતે અબુધાબીના સોવરીન વેલ્થ ફંડ (એસડબલ્યુએફ) એમઆઇસી રેડવુડ-૧ આરએસસી લીમીટેડને દેશમાં લાંબા ગાળાના રોકાણ પર આવકવેરામાં છૂટ આપવાની જાહેરાત કરી છે. કંપનીને માળખાગત ક્ષેત્રમાં કેટલાક નકકી કરાયેલ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં રોકાણ પર સરકાર દ્વારા આ સવલત મળશે.

ભારતમાં બુનિયાદી માળખા ક્ષેત્રમાં રોકાણ કરવા પર વ્યાજ, ડીવીડન્ડ અને લાંબા ગાળાના મૂડીગત લાભ (એલટીસીજી) માં સો ટકાની છૂટ મેળવનાર આ પહેલું સોવરીન એસડબલ્યુએફ હશે. કેન્દ્રીય ડાયરેકટ ટેક્ષ બોર્ડે સોમવારે આ અંગેની ઓફિશ્યલ મંજૂરી આપી. સરકારે નાણા અધિનીયમ, ર૦ર૦ હેઠળ માળાખાગત ક્ષેત્રોમાં ૩૪ વિભાગોમાં સોવરિન વેલ્થ ફંડોને તેમના રોકાણ પર પ્રાપ્ત કેટલીક નિશ્ચીત આવકને કરમુકત રાખવાની જાહેરાત કરી હતી. આ કેટલાક મુખ્ય વિભાગોમાં હોટલ, કોલ્ડ સ્ટોરેજ, શૈક્ષણીક સંસ્થાઓ, હોસ્પીટલ, ગેસ પાઇપલાઇન વગેરે સામેલ છે. આ યોજના હેઠળ કર છૂટનો લાભ મેળવવા માટે કોઇપણ એકમે ૩૧ માર્ચ ર૦ર૪ પહેલા ઓછામાં ઓછા ૩ વર્ષો માટે રોકાણ કરવું પડશે.

આ છૂટ આવકવેરા કાયદાની કલમ ૧૦ ની પેટા કલમ એફઇ હેઠળ આપવામાં આવી છે. તેના હેઠળ માળખાગત ક્ષેત્રના કેટલાક ખાસ વિભાગોમાં રોકાણ કરવા પર અધિસૂચિત એસડબલ્યુએફ અને પેન્શન ફંડો સહિતના કેટલાક ખાસ એકમોને તેમની આવક પર કર છૂટ આપવાની જોગવાઇ છે.

(11:19 am IST)