Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ટ્રમ્પના દીકરાએ નકશામાં કાશ્મીરને પાકિસ્તાનમાં બતાવ્યું: ભારતને ગણાવ્યો બાઈડન સમર્થક દેશ

ટ્રમ્પ જુનિયરે જે દેશોને બાઈડેન સમર્થક દર્શાવ્યા છે તેમાં ભારત, ચીન, મેકિસકો અને લાબેરિયાનો સમાવેશ થાય છે

વોશિંગ્ટન, તા.૪:અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાએ ભારતના વિવાદિત નકશો બતાવતી ટ્વિટ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરએ ટ્વિટ કરીને ટ્રમ્પ સમર્થક અને બાઈડેન સમર્થકોને દેશોને લાલ અને વાદળી રંગમાં બતાવ્યા હતાં. જેમાં તેમણે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આટલું જ નહીં, તેમણે ભારતને પણ જો બાઈડેનના પ્રભાવ ધરાવતો દેશ ગણાવ્યો છે.

જેમાં ટ્રમ્પ સમર્થિત દેશોને લાલ રંગમાં દર્શાવવામાં આવ્યા છે. જયારે વાદળી રંગમાં બાઈડેનને ટેકો આપતા દેશો દર્શાવવામાં આવ્યા છે. વિશ્વના ચાર દેશો સિવાય તેમણે આખી દુનિયાને ટ્રમ્પના સમર્થનમાં હોવાનું ગણાવ્યું છે. ટ્રમ્પ જુનિયરે જે દેશોને બાઈડેન સમર્થક દર્શાવ્યા છે તેમાં ભારત, ચીન, મેકિસકો અને લાબેરિયાનો સમાવેશ થાય છે.

ટ્રમ્પ જુનિયરે તો પાકિસ્તાન, ઈરાન અને રશિયાને પણ તેમના સમર્થકો ગણાવ્યા છે. એવું માનવામાં આવે છે કે તેની ટ્વિટને લઈને મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણ કે, અમેરિકાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના મતદારો ટ્રમ્પને ટેકો આપી રહ્યા છે.

ટ્રમ્પે અમેરિકાની છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણીની ચર્ચા દરમિયાન ચીન, ભારત અને રશિયા વિશે કહ્યું હતું કે આ દેશો તેમના ગંદા પવનની કાળજી લેતા નથી. ગુરુવારે ટેનેસીના નેશવિલેમાં બિડેન સાથે અંતિમ ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે 'ચીન જુઓ, તે કેટલું ગંદું છે. રશિયા જુઓ. ભારત જુઓ. ત્યાં હવા ખૂબ ગંદી છે.'

(11:16 am IST)