Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજસ્થાન પછી બંગાળ, ઓરિસ્સામાં પણ ફટાકડા પર પ્રતિબંધ મૂકાયો

કાલીપૂજા અને દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા બંગાળમાં રોક :ઓરિસ્સા સરકારે 10મીથી 30 નવેમ્બર સુધી વેચાણ ,સંગ્રહ કે ઉપયોગ પર પ્રતિબંધ લાદયો

નવી દિલ્હી :રાજસ્થાન સરકારે ફટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યા બાદ પશ્ચિમ બંગાળ તથા ઓરિસ્સાએ પણ ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બંગાળમાં કાલી પુજા તથા દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો હોવાનું રાજ્યના ચીફ સેક્રેટરી અલાપન બંદોપાધ્યાયએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વખતે ફટાકડા થકી સર્જાતું પ્રદૂષણ કોરોના મહામારી દરમિયાન વધુ ઘાતક બની શકે છે તે જોતાં આ નિર્ણય લેવાયો છે.

થોડા દિવસો પહેલાં પશ્ચિમ બંગાળનાં તબીબ સંગઠનોએ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીને આ વર્ષે ફટાકડા પર પ્રતિબંધ મૂકવા ભલામણ કરી હતી. બીજી તરફ ઓરિસ્સા સરકાર દ્વારા પણ જણાવાયું હતું કે , આગામી શિયાળાને ધ્યાનમાં રાખીને તથા કોવિડ મહામારીને જોતાં રાજ્યમાં તા. 10મી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ,સંગ્રહ કે ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 રાજ્યના સ્પેશ્યિલ ચીફ કમિનશનર દ્વારા પ્રગટ કરાયેલાં એક જાહેરનામાંમાં જણાવાયું હતું કે રાજ્ય સરકારની ટેકનિકલ એક્સપર્ટ કમિટીએ ખાસ કરીને વૃદ્ધો, બાળકો, અન્ય બીમારીઓ ધરાવતા લોકો તથા અન્ય લોકોને કોરોનાથી બચાવવા માટે આ વર્ષે તકેદારીના ભાગરૂપે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. આ પ્રતિબંધનો ભંગ કરનારા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની જોગવાઇઓ મુજબ પગલાં લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન આ અગાઉ જ ફટાકડા પર પ્રતિબંધની ઘોષણા કરી ચૂક્યું છે. દિલ્હી સરકારે માત્ર ગ્રીન ફટાકડાને મંજૂરી આપી છે. નેશનલ ગ્રીીન ટ્રિબ્યુનલ દ્વારા પણ ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે કેન્દ્ર તથા જુદી જુદી રાજ્ય સરકારોને નોટિસ પાઠવવામાં આવી ચૂકી છે.

(11:09 am IST)