Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રિપબ્લીક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડઃ ખળભળાટઃ પોલીસે માર માર્યાનો આરોપ

મુંબઇ,તા.૪ : મુંબઇ પોલીસે ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હોવાના અહેવાલ સામે આવી રહયા છે એટલુંજ નહિ પણ અર્નબે પોલીસ પર તેની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. આજે વહેલી સવારે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીના ઘરમાં જઈને તેની ધરપકડ કરી છે અને માર મારવાના પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે.

આ ઘટનાને લઈ ભારે હંગામો મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી આ મામલો વિવાદમાં રહ્યા બાદ પોલીસે રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે ગોસ્વામી ઉપર હાથ ઉપાડ્યો હોવાના આક્ષેપો થતા મામલો ગરમાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

મુંબઈ પોલીસ રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક અર્નબ ગોસ્વામીના ઘરે પહોંચી અને તેમને પોલીસવાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગઈ છે.

 અર્નબ ગોસ્વામીનો આરોપ છે કે મુંબઈ પોલીસે તેમની પોતાની સાથે, પત્ની તથા પુત્ર અને સાસુ-સસરા સાથે હાથા-પાઈ કરી.

 રિપબ્લિક ચેનલના કેટલાક સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે જેમાં અર્નબ ગોસ્વામીના ઘરે પોલીસ પહોંચી છે અને ઘરમાં અંદર પ્રવેશી રહી છે તથા માથાકૂટ થઈ હોય તેવા દૃશ્યો પણ તેમાં જોવા મળી રહ્યા છે.

 રિપબ્લિક ચેનલ પર ચાલી રહેલા દૃશ્યો મુજબ પોલીસ અર્નબને પોલીસ વાનમાં બેસાડીને લઈ જઈ રહી છે.

ચેનલનો દાવો છે કે અર્નબ ગોસ્વામીને એ કેસમાં પકડવામાં આવ્યા છે જે કેસ પહેલા જ બંધ કરી દેવાયો છે.

જોકે પોલીસે હજુ સુધી ધરપકડ અથવા અટકાયતમાં લીધાની કોઈ પુષ્ટિ નથી કરી અને એ પણ જાહેર નથી કર્યું કે કયા કેસમા કાર્યવાહી કરવામાં આવી છે. 

(11:06 am IST)