Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

વિશ્વની મહાશકિતની ચૂંટણીમાં ભારતવાળીઃ સામ-સામી આક્ષેપબાજીઃ ગેરરીતિના ગંભીર આરોપો

અમેરિકી ચૂંટણી રસપ્રદઃ ટ્રમ્પ અને બિડેનના વિજયના દાવાઃ મામલો સુપ્રિમ કોર્ટમાં જશે !

ઇલેકટોરલ વોટની રેસમાં ટ્રમ્પને પછાડી બિડેન આગળ નિકળ્યાઃ બિડેનને ર૩૮ વોટ તથા ટ્રમ્પને ર૧૩ વોટ : મતોની ગણતરી ચાલુઃ ટ્રમ્પે ટેકસાસ, ફલોરીડા, નોર્થ કેરોલીના, જયોર્જીયામાં વિજય મેળવ્યોઃ બિડને વોશીંગ્ટન, ઓરેગોન, કેલીફોર્નીયા અને ઇલીનોઇસમાં વિજય મેળવ્યોઃ વિજય માટે ર૭૦ ઇલેકટોરલ વોટની જરૂર

વોશીંગ્ટન, તા., ૪: વિશ્વની મહાશકિત એવી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રસપ્રદ તબક્કે પહોંચી છે. ગઇકાલે ૬૮ ટકા જેટલું મતદાન થયા બાદ આજે સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં અત્યાર સુધીના મળતા અહેવાલો મુજબ બંન્ને હરીફ ઉમેદવારો ટ્રમ્પ અને બિડેન વચ્ચે કાંટે કી ટકકર ચાલી રહી છે. બંન્નેએ વિજયના દાવા કર્યા છે તો વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ચૂંટણીમાં ગેરરીતી થઇ છે અને એવો ધડાકો કર્યો છે કે હું આ મામલે સુપ્રિમ કોર્ટમાં જઇશ. દરમિયાન મતગણતરી વચ્ચે

મળેલા ટ્રેન્ડમાં ટ્રમ્પ કરતા બિડેન આગળ ચાલી રહયા છે. તેઓને ર૩૮ તો ટ્રમ્પને ર૧૩ ઇલેકટોરલ વોટ મળ્યા છે. બહુમતી માટે ર૭૦ નો આંકડો જોઇએ.

અમેરિકામાં મતોની ગણતરી હજુ ચાલુ છે અને બંન્ને ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. દરમિયાન ટ્રમ્પે એક પત્રકાર પરીષદ યોજી અને વિજયનો દાવો કર્યો હતો. તેમણે કહયું હતું કે અમે ચૂંટણી જીતી ચુકયા છીએ. દરમિયાન તેમણે બિડેન પર મતોની ગણતરીમાં ફ્રોડ કરવાનો આરોપ પણ મુકયો હતો. ટ્રમ્પે દેશ સાથે મોટી છેતરપીંડી થયાનો દાવો કરી સુપ્રિમ કોર્ટમાં જવા જણાવ્યું હતું. અમારો લક્ષ્યાંક દેશની ભલાઇ માટે અખંડીતા સુનિશ્ચિત કરવાનું છે.  તો બીજી તરફ હરીફ ઉમેદવાર બિડેને પણ ટવીટ કરી દાવો કર્યો છે કે ભરોસો રાખો અમે ચૂંટણી જીતવા જઇ રહયા છીએ. તેમણે એરીજોના, મીસીગન અને વિસ્કોન્સિનના પરીણામો લઇને આશા જણાવી હતી. તો તેની પેનિસિલ્વેનીયામાં વિજયનો દાવો કર્યો હતો.

અમેરિકામાં પ૩૮ ઇલેકટોરલમાંથી બિડેનને ર૩૮ વોટ તો ટ્રમ્પને ર૧૩ વોટ મળ્યા છે. વ્હાઇટ હાઉસ પહોંચવા માટે કોઇ પણને ઓછામાં ઓછા ર૭૦ બેઠક પર વિજય મેળવવો પડે.

ટ્રમ્પ મહત્વના રાજયો ફલોરીડા, નોર્થ કેરોલીના, ઓહાયો, ટેકસાસમાં આગળ ચાલી રહયા છે. તો બિડેને ન્યુજર્સી અને ન્યુયોર્કમાં વિજય મેળવ્યો છે.

 ટ્રમ્પે ફલોરીડા અને ટેકસાસમાં આકરા મુકાબલામાં વિજય મેળવ્યો છે. તેમને ઇન્ડીયાના ઉપરાંત ઓકલાહોમા અને કેન્ટકીમાં વિજય મેળવ્યો છે. જયારે બિડેનને મેરી લેન્ડ, ટેનેસી અને વેસ્ટ વર્જીનીયામાં વિજય મળ્યો છે. બિડેને ઓરોગોન, કેલીફોર્નીયામાં પણ વિજય મેળવ્યો છે.

દરમિયાન અત્યાર સુધીના અપડેટ મુજબ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બિડેન આગળ ચાલી રહયા છે.

કોવીડ-૧૯ વચ્ચે ગઇકાલે મતદાન થયું હતું. મત ગણતરી ઉપર સમગ્ર વિશ્વની નજર કેન્દ્રીત થઇ છે. કુલ ૧૦ કરોડથી વધુ લોકોએ મતદાન કર્યુ હતું.

(3:23 pm IST)