Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ખાદ્ય તેલોની આયાત જકાતમાં ઘટાડાની સંભાવના

ખાદ્યતેલોના વધી રહેલા ભાવને રોકવા તેમજ ગ્રાહકોને રાહત આપવા માટે

નવી દિલ્હી, તા. ૪: કેન્દ્ર સરકાર સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના વધી રહેલા ભાવને રોકવા તેમજ ગ્રાહકોને રાહત આપવા માટે આયાત જકાતમાંઘટાડાની સાથે તેની આયાત સરકારી એજન્સીઓ મારફતે કરવા વિચારી રહી છે. એક ઉચ્ચ સરકારી અધિકારીના મતે પાછલા કેટલાક મહિનામાં ખાદ્યતેલોના ભાવ તીવ્ર ઝડપથી વધ્યા છે. સરકાર ગ્રાહકોને આ મોંઘવારીમાં રાહત આપવા ઈચ્છે છે તેમજ વધી રહેલા ભાવને અંકુશમાં પણ રાખવાના છે. સરકાર આયાતી ખાદ્યતેલો પર આયાત જકાત ઘટાડીને હાજર બજારમાં તેલોને સસ્તા કરવા વિચારણા કરી રહી છે.

ક્રૂડ સોયાતેલ, ક્રૂડ કનોલા કે સરસવ તેલ અને ક્રૂડ સનફ્લાવર તેલ પર ૩૫ ટકા આયાત જકાત લાગે છે જયારે ક્રૂડ પામતેલ પર તે ૩૭.૫ ટકા અને રિફાઇન્ડ પામતેલ પર ૪૫ ટકા આયાત જકાત છે. સરકાર સ્ટેટ ટ્રાડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એમએમટીસી કે અન્ય સરકારી એજન્સીઓ મારફતે ખાદ્યતેલોની આયાત કરી શકે છે. એક સંભાવના એવી પણ છે કે સરકાર માત્ર સરકારી એજન્સીઓ મારફતે આયાત થનાર ખાદ્યતેલ પર જ આયાત જકાત દ્યટાડે. આ મામલે હજી સરકાર વિચારણા-મંત્રણા કરી રહી છે.

સોલ્વન્ટ એકસટ્રેકટર્સ એસોસિએશન (એસઇએ)ના કાર્યકારી ડિરેકટર બીવી મહેતાનું કહેવુ છે કે ખાદ્યતેલોના ભાવ તહેવારોની માંગ તેમજ વૈશ્વિક બજારોમાં તેજીના માહોલને લીધે વધી રહ્યા છે. રવી પાકના વાવેતર સમયે સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવ નીચા લાવવાના સરકારના પ્રયાસથી ખેડૂતો તેલીબિયાંની ખેતી પ્રત્યે નિરાશ થશે તેમજ તેઓ અન્ય આકર્ષક પાક તરફ ફંટાઇ શકે છે. કહેવાય છે કે, ખાદ્યતેલો પર આયાત જકાત ઘટવાથી સરકારની કમાણી પ્રભાવિત થશે. ભારત, ખાદ્યતેલોની ઘરઆંગણાની ૭૦ ટકા જરૂરિયાત આયાત મારફતે પૂરી કરે છે.

(10:13 am IST)