Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

લગ્ન માટે ઉતાવળા થયેલા યુવકે શહેરમાં લગાવ્યું હોર્ડિંગઃ લખ્યું - 'કન્યા જોઈએ છે'

પોતાની પસંદગીની કોઈ યુવતી મળી નહીં. ત્યારબાદ આ યુવકે એવું વિચાર્યું કે મારે લગ્ન કરવા માટેની કન્યા શોધવા માટે હોર્ડિંગ લગાવવા જોઈએ

કોટ્ટયમ,તા.૪:તમે શહેરોમાં મોટા-મોટા હોર્ડિંગ લાગેલા તો જોયા જ હશે. કેરળના કોટ્ટયમ જિલ્લામાં આજકાલ રસપ્રદ હોર્ડિંગ જોવા મળી રહ્યા છે. આ હોર્ડિંગમાં એક યુવક તેના લગ્ન માટે કન્યા શોધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ૩૫ વર્ષીય આ યુવકે તેના ફેસબુક પેજ પર પણ આ હોર્ડિંગનો ફોટોગ્રાફ શેર કર્યો છે.

આ યુવકે તે હોર્ડિંગમાં જણાવ્યું છે કે તેની કોઈ માગ નથી, માત્ર જીવનમાં સારા મૂલ્યોને મહત્વ આપે છે. આ હોર્ડિંગ અથવા ફ્લેકસ બોર્ડમાં તે યુવકનો મોટો ફોટોગ્રાફ જોવા મળી રહ્યો છે. જેમાં યુવકે પોતાનો મોબાઈલ અને વોટ્સએપ નંબર પણ લખ્યો છે. સાથે તેણે ઈમેઈલ આઈડી પણ લખ્યો છે અને લગ્ન કરવા માગતી યુવતી અથવા તેનો પરિવાર મારો સંપર્ક કરી શકે છે તેવું જણાવ્યું છે.

કેરળમાં રહેતા અનીષ સેબસ્ટિયન નામના આ યુવકે જણાવ્યું કે તેને લગ્ન કરવામાં મોડું થઈ ગયું છે. તે લગ્ન કરવા માટે પારંપરિકરીતે યુવતી શોધી રહ્યો હતો. પરંતુ, તેને પોતાની પસંદગીની કોઈ યુવતી મળી નહીં. ત્યારબાદ આ યુવકે એવું વિચાર્યું કે મારે લગ્ન કરવા માટેની કન્યા શોધવા માટે હોર્ડિંગ લગાવવા જોઈએ કે જેથી તમામ લોકોને ખબર પડે કે તે લગ્ન માટે કન્યા શોધી રહ્યો છે. આ યુવકે જણાવ્યું કે આપણે અરેન્જ મેરેજ પછી પણ દ્યણીવખત સમસ્યાઓનો સામનો કરીએ છીએ. ઈન્ટરનેટના માધ્યમથી થયેલા લગ્ન પણ દ્યણીવખત સફળ થતા નથી. માટે મેં આ રીતે પોતાના માટે પરફેકટ મેચ શોધવાનો પ્રયાસ કર્યો છે.

આ યુવકે વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસની આ મહામારીમાં લોકોના ઘરે જવું સંભવ નથી. લોકો યોગ્યરીતે એકબીજાનો સંપર્ક પણ કરી શકતા નથી. તેવામાં મેં લગ્ન માટે કન્યા શોધવા માટે હોર્ડિંગ લગાવવાનું વિચાર્યું. આ હોર્ડિંગ લગાવ્યા પછી તેની પાસે સારા માગા આવી રહ્યા છે.

(10:11 am IST)