Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કોરોના કાળમાં ૪૬% લોકોએ ઉછીના રૂપિયા લઇ ઘર ચલાવ્યું

છટણી -પગારકાપથી મધ્યમવર્ગને ફટકો

નવી દિલ્હી,તા. ૪: અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીમાં લગભગ ૫૦ ટકા ભારતીયોએ ગુજરાન ચલાવવા ઉછીના નાણાંલીધા હતા. એક અહેવાલ પ્રમાણે નોકરીમાંથી છટણી અને વ્યાપક પગારકાપને લીધેઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગને મોટો ફટકો પડ્યો છે.

વૈશ્વિક કન્ઝયુ, ફાઇનાન્સ કંપનીની સ્થાનિક સબસિડિયરી હોમ ક્રેડિટ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, 'કોરોના સંકટમાં આવક ઘટવાને કારણે લોન અને ઋણ માટે લોકોના વિકલ્પોમાં મોટો ફેરફાર નોંધાયો છે.' હોમ ક્રેડિટ ઇન્ડિયાની પેરન્ટ કંપની યુરોપ અને એશિયામાં હાજરી ધરાવે છે. કંપનીના અહેવાલ મુજબ સરવેમાં ૪૬ ટકા લોકોએ ઘર ખર્ચ માટે નાણાં ઉછીના લીધા હોવાનું જણાવ્યું હતું. કંપનીએ કોરોનાને લીધે લાગુ થયેલા લોકડાઉનમાં લોકોની નાણાં ઉછીના લેવાની પેટર્નને સમજવા સાત શહેરોમાં લગભગ ૧,૦૦૦ લોકોનો સરવે કર્યો હતો. સરવેના તારણ અનુસાર 'પગારકાપ અથવા નાણાં મળવામાં વિલંબની અસરને કારણે મોટા ભાગના લોકોએ લોનનો વિકલ્પ પસંદ કર્યો હતો. ર૭ ટકા લોકોએ અગાઉની લોનના હપતાની ચુકવણીને નાણાં ઉછીના લેવાનું મોટું કારણ ગણાવ્યું હતું. ૧૪ ટકા લોકોના મતે નોકરી ગુમાવવાને કારણે તેમને ઋણ લેવાની ફરજ પડી હતી.'

સરવેની વિગતમાં જણાવ્યા અનુસાર 'લોકોએ કોવિડ-૧૯ના સમયમાં મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી નાણાં ઉછીના લેવાનું પસંદ કર્યું હતું. જેનું મુખ્ય કારણ સ્થિતિ સામાન્ય થાય તેમજ જોબ અને પગાર શરૂ થાય ત્યારે નાણાંની ચુકવણીમાં ફ્લેકિસબિલિટી હતું.'

સરવેમાં ભાગ લેનારા ૫૦ ટકા લોકોએ કબૂલ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થયા પછી અથવા નોકરી ફરી શરૂ થયા પછી તે ઉછીના નાણાં પરત કરી દેશે. મુંબઈ અને ભોપાલમાં મિત્રો અને પરિવાર પાસેથી નાણાં ઉછીના લેવાનું પ્રમાણ સૌથી વધુ ર૭ ટકા હતું. દિલ્હી ર૬ ટકા બીજા ક્રમે અને પટના ર૫ ટકા સાથે ત્યારપછીના ક્રમે હતું.

(10:08 am IST)