Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

હોમ લોનની માંગ વધી : વ્યાજદર ઘટાડવા સ્પર્ધા

બેંકો વચ્ચે હરિફાઇ ફાટી નીકળતા ગ્રાહકોને ફાયદો

મુંબઈ,તા. ૪: ઓકટોબર મહિનામાં હોમ લોનની માગમાં વધારો થતા બેંકો વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજ દર ઘટાડવાની સ્પર્ધા શરું થઈ ગઈ છે. હાલ હોમ લોન પર સૌથી ઓછા વ્યાજ દર કોટક બેંક આપી રહી છે, ૬.૭૫ ટકા, જે પાછલા એક મહિનામાં બીજીવાર વ્યાજદરમાં ઘટાડા બાદ આવ્યું છે. મોટાભાગની બેંકો હાલ ૬.૮થી ૭ ટકા વચ્ચે વ્યાજદર ઓફર કરી રહી છે, જેની પાછળનું કારણ સરકારી બોન્ડમાં પણ ૮૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.

બેંકો કહી રહી છે કે તેમના માટે હોમ લોન એક સુરક્ષિત રોકાણ છે અને આ એક જ સેગમેન્ટ છે જે તેમના માટે આ કપરા સમયમાં પણ બે આંકડામાં આગળ વધી રહ્યું છે. વર્ક ફ્રોમ હોમના કારણે જરુરિયાત વધતા ઘરો ખરીદવાની માગ વધી રહી છે સાથે સાથે બિલ્ડર્સ દ્વારા પણ જુદી જુદી ઓફર આપવામાં આવી રહી છે. ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો અને વ્યાજદરો અત્યાર સુધીના સૌથી નીચા પહોંચી જવા પણ મુખ્ય કારણો પૈકી છે. બેંકો દ્વારા પોતાની હોમ લોન સેગમેન્ટને વધુ મજબૂત કરવાના આશયથી સતત વ્યાજ દરોમાં ઘટાડો કરવો એ સુચવે છે કે બેંકો વચ્ચે ગ્રાહકો મેળવવા માટે તિવ્ર સ્પર્ધા શરું થઈ ગઈ છે. જે લોન આપવા માટેની સૌથી સુરક્ષિત કેટેગરી ગણાય છે. છેલ્લા થોડા દિવસોમાં બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ તેમના વ્યાજ દરોમાં ઘટાડો કરતા ૬.૮ અને ૬.૯ ટકા જેટલા કરી નાખ્યા છે.

તો SBI દ્વારા પણ હાલમાં જ પોતાના ૭૫ લાખ કરતા વધુની હોમ લોન લેતા ગ્રાહકો માટે ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યા છે. જોકે આ માટે ગ્રાહકોએ બેંકની YONO એપ પરથી હોમ લોન માટે એપ્લાય કરવાનું રહેશે. પ્રાઈવેટ સેકટરની અગ્રણી HDFC પણ હાલ ૬.૯ ટકા જેટલો વ્યાજ દર ઓફર કરી રહી છે.

અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કોટક બેંક ગ્રુપના પ્રેસિડેન્ટ (કન્ઝયુમર બેંકિંગ) શાંતિ એકામબારામે કહ્યું કે લોન આપનારા જોઈ રહ્યા છે કે વર્ક ફ્રોમ હોમના કારણે વધુ મોટી જગ્યા તરફ વળી રહ્યા છે. જેથી હોમ લોનની માગ વધી રહી છે. સાથે સાથે ડેવલોપર્સ અને રાજય સરકારો પણ રિયલ્ટીના ક્ષેત્રે ગતિ લાવવા માટે જુદી જુદી ઓફર આપી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલ અમે કોવિડ પહેલા જે રીતની માગ હતી તેવી જોઈ રહ્યા છે. અમે તમામ હોમ લોન ઇચ્છુક ગ્રાહકો માટે અમારી બેંકના દરવાજા ખોલવા માગીએ છીએ. જેથી લાંબા ગાળા સુધી ગ્રાહક અમારી સાથે જોડાયેલો રહે. તેવી જ રીતે પંજાબ નેશનલ બેંકના પ્ઝ્ર ્રૂ ઘ્ચ્બ્ એસ. એસ મલ્લિકાર્જુ રાવે બેંકને રિઝલ્ટની ઘોષણા કરતા કહ્યું કે હોમ લોનમાં વધારો જોવી મળી રહ્યો છે હાલ કોરોના પહેલા જેવો જ બિઝનેસ આ સેગમેન્ટમાંથઈ મળી રહ્યો છે. બેંક માટે હોલ લોન ખૂબ મોટો ભાગ ભજવે છે જેમાં દર વર્ષે ૧૦ ટકા જેટલો વધારો થઈ રહ્યો છે.

જયારે HDFC માટે ઓકટોબર ૨૦૨૦ મહિનો તેની બેંકના ઇતિહાસમાં કોઇપણ એક મહિના માટે બીજા નંબરનો સૌથી વધુ લોન ડિસ્ટ્રિબ્યુશનનો રેકોર્ડ છે. બેંક માટે સૌથી વધુ ગ્રાહકો મુંબઈથી આવ્યા છે ત્યારબાદ ક્રમાનુસાર દિલ્હી, બેંગલુરુ આવે છે. જોકે હૈદરાબાદ અને ચેન્નઇમાં માર્કેટ હજુ એટલું એકિવટ થયું નથી.

(10:07 am IST)