Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પાંચ દિવસમાં પૂર્વોત્તર ભારત-પશ્ચિમ બંગાળ-સિક્કીમમાં વરસાદની શક્યતા

દેશમાં હવામાનનો મિજાજ બદલાવવાની આગાહી ઃ આગામી ૨ દિવસમાં પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે ઃ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

નવી દિલ્હી, તા.૪ ઃ દેશના વિભિન્ન રાજ્યોમાં સતત પડી રહેલી ગર્મીથી આગામી કેટલાક દિવસોમાં રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૫ દિવસો દરમિયાન પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવા અને તેજ વરસાદની શક્યતા છે. આગામી ૨ દિવસ દરમિયાન આ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૦૪ મે ના રોજ આસામ મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ૩-૪ દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ૪-૫ મે દરમિયાન પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારમાં ૪ મે દરમિયાન કરા પણ પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદની શક્યતા છે. આગામી ૨ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી ૫ દિવસ દરમિયાન કેરળ, કર્ણાટક, તમિનલાડુ, આંધ્રપ્રદેશ અને તલંગાણામાં તેજ પવન સાથે આછા વરસાદની શક્યતા છે. ૪ મેના રોજ કેરળમાં ભારે વરસાદની શક્યતા છે. ૫ મે ના રોજ તમિલનાડુ અને પોંડીચેરી અને ૩ મે ના રોજ આંધ્ર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. ૪ અને ૫ મે ના રોજ નિકોબાર દ્વિપ સમૂહમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદ અને ૬ અને ૭ મે ના રોજ અંડમાન દ્વિપ સમૂહમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને ચેતવણી આપી છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, દેશના બધા ભાગોમાં ગર્મીનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. રાજસ્થાન, પંજાબ, દિલ્હી તથા હરિયાણામાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે કહ્યું કે, ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના કોઈ પણ ભાગમાં આગામી ૫ દિવસ સુધી ભીષણ ગરમીની શક્યતા નથી.  એપ્રિલમાં સમગ્ર દેશમાં અનેક સ્થળોએ તાપમાન સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું અને પારો ૪૬ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશના બાન્દ્રામાં શુક્રવારે ૪૭.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જે એપ્રિલમાં સૌથી વધારે તાપમાન છે. ઉત્તર પ્રદેશમાં ઈલાહાબાદ, ઝાંસી અને લખનૌ, હરિયાણામાં ગુરૃગ્રામ તથા મધ્ય પ્રદેશના સતનામાં એપ્રિલ માટે તાપમાન શુક્રવારે ક્રમશઃ ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ, ૪૬.૨ ડિગ્રી સેલ્સિયસ, ૪૫.૧ ડિગ્રી સેલ્સિયસ, ૪૫.૯ ડિગ્રી સેલ્સિયસ અને ૪૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં ૧૨ વર્ષમાં એપ્રિલનું સર્વાધિક તાપમાન ગુરૃવારે અને શુક્રવારે ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શનિવારે દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વેધર સ્ટેશન પર મહત્તમ તાપમાન ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

(8:05 pm IST)