Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

ભાજપ હાઈકમાન્ડે રાજ્સ્થાનમાં તોફાનો ભડકાવવાનો આદેશ આપ્યો ઃ ગહેલોત

જોધપુરમાં ઈદની પૂર્વ સંધ્યાએ કોમી હિંસા થઈ હતી ઃ ભાજપના રાજ્યના નેતાઓને દિલ્હી બોલાવીને સૂચનાઓ અપાઈ છે કે શું કરવાનું છે ઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન

જયપુર, તા.૪ ઃ રાજસ્થાનમાં કરોલી બાદ જોધપુરમાં પણ ઈદની પૂર્વ સંધ્યાએ તેમજ ઈદના દિવસે કોમી હિંસા ભડકી ઉઠી હતી. જેના પગલે જોધપુરમાં કરફ્યૂ નાંખવાની ફરજ પણ પડી હતી. આ તોફાનોમાં ૧૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, જોધપુરમાં તોફાનો થયા નથી પણ થવાની શક્યતા હતી. જોધપુરમાં અફવા ફેલાવીને તોફાનો ભડકાવવાની કોશિશ કરવામાં આવી હતી. પણ અમે સમયસર કાર્યવાહી કરતા તોફાનો ફાટી નિકળતા અટકયા હતા. ગહેલોતે આરોપ લગાવ્યો હતો કે, આ બધુ એક એજન્ડાના ભાગરુપે થયુ છે. ભાજપના હાઈકમાન્ડે રાજસ્થાનના લોકોને તોફાનો ભડકાવવા માટે આદેશ આપ્યો છે અને તેના ભાગરુપે આ બધુ થઈ રહ્યુ છે. હિંસાની ઘણી ઘટનાઓમાં ભાજપના નેતાઓના નામ આવ્યા છે. તેઓ ફરાર છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને જોતા ભાજપ અને આરએસએસનો એજન્ડા વધારે ખતરનાક થઈ ગયો છે. જે આખા દશ માટે ચિંતાની વાત છે. ભાજપના રાજ્યના નેતાઓને દિલ્હી બોલાવીને સૂચનાઓ અપાઈ છે કે રાજ્યમાં શું કરવાનુ છે..જે રીતે યુપીમાં તોફાનો થાય છે તેવા તોફાનો રાજસ્થાનમાં નથી થયા.

તેમણે કહ્યુ હતુ કે, અમે તોફાનો બાદ બુલડોઝર નથી મોકલ્યા અને મોકલવાના પણ નથી. રાજસ્થાનમાં સદીઓથી ભાઈચારાનુ વાતાવરણ છે. છુટી છવાઈ ઘટનાઓ બની શકે છે પણ તોફાનો નથી થયા. બુલડોઝરથી મને નહીં પણ દેશને વાંધો છે. કારણકે જે લોકો બંધારણમાં ભરોસો રાખે છે તે બુલડોઝરમાં વિશ્વાસ રાખતા નથી.

(8:01 pm IST)