Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જહાંગીરપુરી બાદ હવે દિલ્‍હીના દક્ષિણ વિસ્‍તારોમાં બુલડોઝર ચલાવવા તંત્રની તૈયારી

નવી દિલ્‍હી, તા.૪: રાજધાની દિલ્‍હીમાં જહાંગીરપુરીના ગેરકાયદે બાંધકામ પર ચલાવેલા બુલડોઝર બાદ હવે ફરીથી રાજધાનીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશને આગામી ૧૦ દિવસનો રૂટ મેપ તૈયાર કરી લીધો છે. જેમાં દક્ષિણ દિલ્‍હીના એવાં વિસ્‍તારોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જ્‍યાં બુલડોઝર ચલાવવામાં આવશે. જે મુજબ ૬ મેના રોજ ઓખલામાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે. ૯ મેના રોજ શાહીન બાગમાં બુલડોઝર ચલાવાશે.

૨૦ એપ્રિલના રોજ દિલ્‍હીના બીજેપી અધ્‍યક્ષ આદેશ ગુપ્તાએ દક્ષિણ દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને ઉત્તર દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશનના મેયરને પત્ર લખ્‍યો હતો. જેમાં તેઓએ રોહિંગ્‍યાઓ, બાંગ્‍લાદેશીઓ અને અસામાજિક તત્‍વોના ગેરકાયદે બાંધકામો હટાવવાની માંગ કરી હતી.

દક્ષિણ દિલ્‍હીના મેયર મુકેશ સુર્યનએ એક બેઠક બાદ જણાવ્‍યું હતું કે, સરકારી જમીન, રસ્‍તાઓ અને ફૂટપાથ પરના દબાણને દૂર કરવા માટે એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું હતું કે, દબાણ અને ગેરકાયદે બાંધકામ હટાવતા પહેલાં લોકોને નોટિસ આપવામાં આવશે.

દક્ષિણ દિલ્‍હી મ્‍યુનિસિપલ કોર્પોરેશને એક એક્‍શન પ્‍લાન તૈયાર કર્યો છે. એ મુજબ આગામી એક સપ્તાહની અંદર દિલ્‍હીના અનેક વિસ્‍તારોમાં બુલડોઝર દ્વારા દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે. બુલડોઝરની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે મનપાએ વધારાની પોલીસ ફોર્સની પણ માંગણી કરી છે.

આજે એમબી રોડ પર કરણી સિંહ શૂટિંગ રેન્‍જની આસપાસના વિસ્‍તારમાં દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવેલ. જ્‍યારે કાલથી તા.૧૩ સુધીમાં કાલિંદી કુંજ મેઈન રોડ પર કાલિંદી કુંજ પાર્કથી જામિયા નગર પોલીસ સ્‍ટેશન સુધી,શ્રીનિવાસપુરી ખાનગી કોલોનીથી ઓખલા રેલ્‍વે સ્‍ટેશન ગાંધી કેમ્‍પ સુધી,શાહીન બાગ મેઈન રોડ (જી-બ્‍લોક) અને જસોલા કનાલથી કાલિંદી કુંજ પાર્ક સુધી,ન્‍યૂ ફ્રેન્‍ડ્‍સ કોલોનીમાં ગુરુદ્વારા રોડ પર બૌદ્ધ મંદિર અને તેની આસપાસ,લોધી કોલોનીનું મેહર ચંદ માર્કેટ, સાંઈબાબા મંદિર પાસે અને જવાહરલાલ નેહરુ મેટ્રો સ્‍ટેશનની આસપાસ,ધીરસેન માર્ક, ઇસ્‍કોન મંદિર રોડ, કાલકા દેવી માર્ગ અને તેની આસપાસનો વિસ્‍તાર,ખડ્ડા કોલોની અને તેની આસપાસના વિસ્‍તારમાં બુલડોઝર ચાલશે.

દિલ્‍હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. કારણ કે, શોભા યાત્રા દરમિયાન પથ્‍થરમારા બાદ બે સમુદાયો વચ્‍ચે જૂથ અથડામણ થઈ હતી. ત્‍યાર બાદ જહાંગીરપુરીમાં ગેરકાયદે બાંધકામ અને દબાણ પર બુલડોઝર દોડાવાયું હતું. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

(3:59 pm IST)