Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલને રાહુલ ગાંધીએ મોકલ્‍યો મેસેજ

શું ગુજરાતમાં કોંગ્રેસનો વિવાદ અટકશે ?

નવી દિલ્‍હી તા. ૪ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી યુનિટમાં મતભેદો દૂર કરવા માટે ગુજરાત કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્‍યક્ષ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી છે, જેઓ લાંબા સમયથી નારાજ છે. પાર્ટીના સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પાર્ટીમાં રહેવાનો સંદેશો પણ પાઠવ્‍યો છે અને પક્ષના પ્રભારી અને અન્‍ય નેતાઓને પણ ચાલી રહેલા મતભેદોને ઉકેલવા હાર્દિકનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પણ પુષ્ટિ કરી છે કે પાર્ટીની ટોચની નેતાગીરીએ હાર્દિક સાથે વાત કરી છે. આ દરમિયાન રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પાર્ટીએ હાર્દિક સાથે જે પણ વાત કરી છે તેની સંપૂર્ણ વિગતો માત્ર ગુજરાતના પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક કોંગ્રેસના ગુજરાત યુનિટને મહત્‍વ ન આપતા નેતૃત્‍વથી નારાજ છે.

હાર્દિકે તેના ટ્‍વિટર બાયોમાંથી કોંગ્રેસ પાર્ટીનું નામ હટાવી દીધું હતું. આ સાથે તેમના પ્રોફાઈલ ફોટોમાં પાર્ટી સિમ્‍બોલનો ફોટો પણ હટાવી દેવામાં આવ્‍યો હતો. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો હાર્દિક પટેલ પાર્ટી છોડે છે તો તે કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થશે. તે જ સમયે, હાર્દિકની નારાજગી વચ્‍ચે, એવી અટકળો પણ થઈ રહી હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ તેને નકારી રહ્યા છે. જો કે કોંગ્રેસના નેતાઓએ સ્‍વીકાર્યું કે હાર્દિક ગુજરાતના પાર્ટી યુનિટથી નારાજ છે.

તાજેતરમાં જ હાર્દિકે કલમ ૩૭૦ હટાવવા અને રામ મંદિરના નિર્માણ માટે ભાજપ સરકારના વખાણ પણ કર્યા હતા. પોતાની નારાજગી અંગે સ્‍પષ્ટતા આપતા હાર્દિકે કહ્યું કે તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીથી નહીં પરંતુ ગુજરાતની કોંગ્રેસ સમિતિથી નારાજ છે.

(12:25 pm IST)