Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સિંહો માટે વધુ સુરક્ષિત વિસ્‍તારો જરૂરી

સંસદીય સમિતિનો મત : બરડા ડુંગર જેવા વિસ્‍તારો ઉભા કરવા જોઇએ : રેલવે લાઇન પ્રોજેકટ આગળ ન ધપાવવો જોઇએ

નવી દિલ્‍હી તા. ૪ : ગુજરાતને એશીયન સિંહો માટે વધારે જગ્‍યાની જરૂર છે અને તેમાંથી ૫૦ ટકા વિસ્‍તાર ગીર નેશનલ પાર્ક અને વાઇલ્‍ડ લાઇફ સેંકચ્‍યુરીની બહાર હોવો જોઇએ. આવી ભલામણ ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવેલ વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને કલાઇમેટ ચેન્‍જની ૧૧ સભ્‍યોની સંસદીય સમિતિએ કરી છે. દેશમાં એશીયન સિંહોના એક માત્ર સ્‍થાન એવા ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુદરતી અથવા અકુદરતી કારણોથી ૨૮૩ સિંહોના મોત થયા છે જેમાં ૧૪૨ બાળસિંહો પણ સામેલ છે.

સમિતિના ચેરમેન અને ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કહ્યું કે, ગુજરાતમાં બરડા ડુંગર જેવી વધારાની સંરક્ષીત જગ્‍યાઓ સીંહો માટે ઉભી કરવાની જરૂર છે કેમકે રાજ્‍ય સિંહોને અન્‍ય જગ્‍યાઓએ મોકલવા નથી માંગતું.

રમેશે કહ્યું કે, ગુજરાત માટે માનવો અને પશુઓનો સંઘર્ષ ઘટાડવો એ મોટો પડકાર છે અને એટલે જ સિંહો માટે તેના હાલના સંરક્ષિત વિસ્‍તારના ૫૦ ટકા જેટલી જમીન આ વિસ્‍તારની બહાર ઉભી કરવી જરૂરી છે.

સંસદીય સમિતિના ચેરમેન જયરામ રમેશે કહ્યું ‘મને યાદ છે વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ પ્રોજેકટ લાયન ૧૯૭૨માં શરૂ કર્યો હતો અને પછી ૧૯૭૩માં પ્રોજેકટ ટાઇગર શરૂ કરાયો હતો. અને હવે ગુજરાતનો વન વિભાગ આ પ્રજાતિને બચાવવા પર ધ્‍યાન આપી રહ્યો છે.' તેમણે વધુમાં કહ્યું કે સિંહોના સ્‍થળાંતરનો મુદ્દો હવે સંરક્ષણના બદલે ગુજરાત અને મધ્‍ય પ્રદેશ વચ્‍ચે રાજકીય મુદ્દો બની ગયો છે.

તેમણે કહ્યું કે, સેન્‍કચ્‍યુરી એરીયામાંથી પસાર થતી ૧૪ કીલોમીટરની રેલવે લાઇનનો સ્‍થાનિક લોકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. અમે અમારા રિપોર્ટમાં ભલામણ કરશું કે રેલવે મંત્રાલય આ પ્રોજેકટને આગળના વધારે અને વન વિભાગ પણ આની મંજૂરી પાછી ખેંચે.

(11:22 am IST)