Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

મોંઘવારીની ‘ઐસી કી તૈસી...' અખાત્રીજે ૩ વર્ષ બાદ રોનક જોવા મળી : ૧૩૦૦૦ કરોડનું સોનું વેચાયુ

૨૦૧૯થી ૨૨ ટકા વધુ વેચાણ : દેશમાં ૨૨ ટન સોનું વેચાયુ

નવી દિલ્‍હી તા. ૪ : ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જવેલર્સ એસોસિએશન (IBJA) ના રાષ્ટ્રીય સચિવ સુરેન્‍દ્ર મહેતાએ જણાવ્‍યું હતું કે આ વખતે દેશભરમાં ૨૨ ટન સોનું વેચવામાં આવ્‍યું છે, જે ૧૮ ટનના પૂર્વ મહામારીના સ્‍તર કરતાં ૨૨.૨ ટકા વધુ છે.કોવિડ-૧૯ના પડછાયા હેઠળ બે વર્ષ પસાર કર્યા પછી, ત્રીજા વર્ષે, અક્ષય તૃતીયાના અવસરે, દેશભરના બુલિયન બજારો ધમધમી રહ્યા હતા. મંગળવારે લગભગ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. ચાંદીનું વેચાણ રૂ. ૨,૦૦૦ કરોડની આસપાસ હતું.

કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્‍યું હતું કે ૨૦૧૯માં અક્ષય તૃતીયા પર ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. રોગચાળાને કારણે ૨૦૨૦ અને ૨૦૨૧માં દુકાનો ખુલી શકી નથી. ૨૦૨૦માં લગભગ ૫૦૦ કરોડનો બિઝનેસ થયો હતો. તે જ સમયે, ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જવેલર્સ એસોસિએશન (IBJA) ના રાષ્ટ્રીય સચિવ સુરેન્‍દ્ર મહેતાએ જણાવ્‍યું હતું કે આ વખતે દેશભરમાં ૨૨ ટન સોનું વેચવામાં આવ્‍યું છે, જે ૧૮ ટનના પૂર્વ મહામારીના સ્‍તર કરતાં ૨૨.૨ ટકા વધુ છે. જોકે, આ વખતે વેચાણ ૨૫ ટન થવાનો અંદાજ હતો.

ધ બુલિયન એન્‍ડ જવેલર્સ એસોસિએશનના અધ્‍યક્ષ યોગેશ સિંઘલે જણાવ્‍યું હતું કે આ વખતે દિલ્‍હીમાં અક્ષય તૃતીયાના અવસર પર બજારમાં બહુ ગતિવિધિ જોવા મળી નથી. તેનું મુખ્‍ય કારણ મોંઘવારીથી લોકોની ખરીદશક્‍તિ પર અસર પડી રહી છે. ૨૦૧૯ની સરખામણીએ આ વખતે સોનાનું વેચાણ ઓછું હતું. કુલ ટર્નઓવર આશરે રૂ. ૧,૦૦૦ હતું.

ભાવમાં ઘટાડાથી વાતાવરણ સુધર્યું હતું.ઓલ ઈન્‍ડિયા જેમ્‍સ એન્‍ડ જવેલરી ડોમેસ્‍ટિક કાઉન્‍સિલના ઉપાધ્‍યક્ષ શ્‍યામ મહેરાએ જણાવ્‍યું હતું કે, સોનાના ભાવ ૫૫,૦૦૦-૫૮,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી ઘટીને ૫૦,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયા છે. આની ઉપભોક્‍તા સેન્‍ટિમેન્‍ટ પર સકારાત્‍મક અસર પડી હતી.

મહેતાનું કહેવું છે કે સોનાના ભાવ પર ફુગાવાની બહુ અસર થતી નથી. જયારે પણ ફુગાવો વધે છે ત્‍યારે શેરબજાર ઘટે છે અને સોનું વધે છે. યુએસ ફેડરલ રિઝર્વ બુધવારે તેની બેઠકમાં વ્‍યાજદરમાં વધારો કરી શકે છે. આ સોનાને ટેકો આપશે. આવતા ૧૨ મહિનામાં પીળી ધાતુ રૂ. ૫૫,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામને સ્‍પર્શી શકે છે. તેજીને જોતા ખરીદી વધી હતી. છેલ્લા ૧૦ દિવસમાં સોનાના ભાવમાં લગભગ ૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. હોલમાર્કના કારણે લોકોનો સોનાની શુદ્ધતામાં વિશ્વાસ વધ્‍યો છે.

(10:48 am IST)