Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

અભિનેતા સલમાન અને શાહરુખ ખાને ઈદના પ્રસંગે ચાહકોનું અભિવાદન કર્યું

શાહરુખે મન્નત બહાર આવીને ચાહકોનું કર્યું અભિવાદન: સલમાન ખાને પણ ઘરની ટેરેસ પરથી ચાહકોને કર્યાં વંદન

મુંબઈ :દર વર્ષે ઈદ પર શાહરુખ ખાન અને સલમાન ખાનના ઘરની બહાર ભારે ભીડ એકઠી થતી હોય છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આવું થઈ શક્યું નથી. આ વખતે જ્યારે સ્થિતિ સામાન્ય છે ત્યારે ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારથી જ શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘરની બહાર ફેન્સ ભેગા થઇ ગયા હતા. દરેક જણ રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે તેમના પ્રિય સ્ટાર્સ બહાર નીકળશે અને પોતાની એક ઝલક બતાવશે. આખરે સાંજે તેણે પોતાના ફેન્સની ઇચ્છા પૂરી કરી હતી. તે તેમના માટે ઈદીથી ઓછું નથી.

શાહરૂખ દરેક ખાસ પ્રસંગે પોતાના બંગલા મન્નતની બાલ્કનીમાં આવે છે. તેણે ત્યાં ઊભા રહીને ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમનો આભાર માન્યો હતો. આ સમય દરમિયાન કિંગ ખાન કેઝ્યુઅલ લુકમાં હતો. તેણે બ્લુ ટી-શર્ટ સાથે બ્લુ ડેનિમ પહેર્યું હતું. આ સાથે તેણે બ્લુ કલરના સનગ્લાસ પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે આર્યન કેસ બાદ પહેલીવાર શાહરૂખ બાલ્કનીમાંથી આ રીતે ફેન્સને મળવા આવ્યો છે. આ પહેલાં તે તેના જન્મદિવસે નહોતો આવ્યો. સામાન્ય રીતે તે પોતાના જન્મદિવસ પર આ જ રીતે બાલ્કનીમાં આવે છે.

શાહરૂખે તેની તસવીરો સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. તેણે લખ્યું, "તમને બધાને ઈદ પર મળીને આનંદ થયો ... અલ્લાહ તમને ખુશીઓ આપે. ઈદ મુબારક. '

બીજી તરફ સલમાન ખાનના ઘરની બહારથી વીડિયો અને તસવીરો આવી છે. જ્યાં હજારો ચાહકો એકઠા થતા જોવા મળ્યા હતા. સલમાન પોતાના ઘરની બાલ્કનીમાં આવ્યો હતો. તેમણે ત્યાં હાજર લોકોને સલામ કરી હતી.  ઈદના અવસર પર સલમાને બ્લૂ કુર્તા પહેર્યો હતો.

(9:39 pm IST)