Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

કાલે દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી :3 મહાનગરણું એકીકરણ થયા બાદ પ્રથમ વખત 250વોર્ડમાં ચૂંટણી થશે :7મી એ પરિણામ

ભાજપ ,કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં

નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકા (MCD)ની ચૂંટણી રવિવારે તમામ 250 વોર્ડ પર યોજાશે. મહત્વપૂર્ણ છે કે 104 બેઠક મહિલા ઉમેદવારો માટે અનામત કરવામાં આવી છે જ્યારે 42 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રહેશે. તમામ 250 બેઠકના પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

દિલ્હીની ત્રણ મહાનગરના એકીકરણ પછી પ્રથમ ચૂંટણી

દિલ્હીના ત્રણ મહાનગર- દક્ષિણ દિલ્હી મહાનગર (SDMC), ઉત્તરી દિલ્હી મહાનગરપાલિકા (NDMC) અને પૂર્વી દિલ્હી મહાનગરપાલિકા (EDMC)ના એકીકરણ બાદ પ્રથમ વખત MCDની ચૂંટણી યોજાઇ રહી છે.

કેન્દ્ર સરકારે કાયદા દ્વારા આ ત્રણ મહાનગરપાલિકાનું એકીકરણ કરી દીધુ હતુ અને પરિસીમન બાદ બેઠકની સંખ્યા 272થી ઘટાડીને 250 થઇ ગઇ હતી.

ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર

MCD ચૂંટણીમાં કુલ 1,349 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)એ તમામ 250 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. કોંગ્રેસે પણ 250 ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ પાર્ટીના ત્રણ ઉમેદવારના નોમિનેશન રદ થઇ ગયા હતા.

બહુજન સમાજ પાર્ટી (બસપા), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), જનતા દળ યૂનાઇટેડ (JDU) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સહિત અન્ય પાર્ટીઓએ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

ગત ચૂંટણીમાં ભાજપને મળી હતી 181 બેઠક

દિલ્હીમાં વર્ષ 2017માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ત્રણેય મહાનગરમાં કુલ મળીને 181 વોર્ડ પર જીત મેળવી હતી. AAPને 48 વોર્ડ તો કોંગ્રેસને 30 વોર્ડમાં જીત મળી હતી.

દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકા માટે શહેરની સફાઇને એક મોટો મુદ્દો બનાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાજીપુર લેન્ડફિલ પર કચરાના પહાડની મુલાકાત લીધી હતી અને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ, તેમણે કહ્યુ હતુ કે આ વખતે MCD ચૂંટણી દિલ્હીની સફાઇ પર થશે અને જો પાંચ વર્ષમાં તેમણે દિલ્હીને સાફ ના કરી તો જનતા તેમણે ફરી મત નહી આપે.

(8:38 pm IST)