Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

વાહનચાલકે એટલી વખત ટ્રાફિકના નિયમ તોડ્યા કે પોલીસે આપ્યો ૨ મીટર લાંબો મેમો

હવે ટ્રાફિક પોલીસે આ વાહનચાલકને એવો દંડ ફટકાર્યો છે કે તે હવે જયારે વાહન ચલાવશે ત્યારે હેલ્મેટ પહેરવાનું ભૂલશે નહીં

બેગ્લોર,તા. ૩: ટ્રાફિક પોલીસવાળા જયારે મેમો આપે ત્યારે વાહનચાલક હાથ જોડીને માફી માગતા દ્રશ્યો તો તમે જોયા જ હશે. પણ, બેંગલુરુના એક વાહનચાલકને ટ્રાફિક પોલીસે એટલો લાંબો મેમો પકડાવ્યો છે કે તે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બેંગલુરમાં રહેતા અરુણ કુમારને વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરવાની ખરાબ આદત છે. પણ, હવે ટ્રાફિક પોલીસે આ વાહનચાલકને એવો દંડ ફટકાર્યો છે કે તે હવે જયારે વાહન ચલાવશે ત્યારે હેલ્મેટ પહેરવાનું ભૂલશે નહીં.

પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારે જયારે અરુણ કુમાર હેલ્મેટ પહેર્યા વિના સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસે તેઓને રોકયા. સામાન્યરીતે આ ગુનામાં ૫૦૦ રૂપિયાનો દંડ ભરવાનો હોય છે. પણ, વાહનચાલક અરુણ કુમાર ત્યારે ચોંકી ગયા કે જયારે પોલીસે તેઓને ૨ મીટર લાંબો મેમો પકડાવી દીધો. આ દંડની રકમ તેમના સેકન્ડ હેન્ડ સ્કૂટરની કિંમત રૂપિયા ૨૦ હજાર કરતા પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે.

ત્યાંના ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ વાહનચાલક અરુણ કુમારે ૭૭ વખત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે તેઓને રૂપિયા ૪૨,૫૦૦ રૂપિયાનો મેમો ભરવો પડશે. પોલીસે તેઓનું સ્કૂટર જપ્ત કરી લીધું છે. વાહનચાલક અરૂણ કુમારે આ મેમોની રકમની ચૂકવણી કરવા માટે પોલીસ પાસે થોડો સમય માંગ્યો છે કે જેથી તેઓ પૈસાની વ્યવસ્થા કરી શકે.

(9:49 am IST)