Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દાયકાના અંતે એશિયાના ૧૦૦ કરોડ કરતાં વધુ લોકો વૈશ્વિક મધ્યમવર્ગની કેટેગરીમાં સામેલ થશે

ભારત-ચીન-જાપાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં મધ્યમવર્ગની સંખ્યા આગામી વર્ષોમાં વધશે :કોરોનાના કારણે મિડલ ક્લાસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો પરંતુ તેની અસર ઓસરતાં જ સંખ્યા ફરીથી વધશે

નવી દિલ્હી :  વર્લ્ડ ડેટા લેબના સ્ટડીમાં તારણ આપવામાં આવ્યું હતું કે આ દશકાના અંતે એશિયાના ૧૦૦ કરોડ કરતાં વધુ લોકો વૈશ્વિક મધ્યમવર્ગની કેટેગરીમાં સામેલ થઈ જશે. અત્યારે કોરોનાના કારણે મિડલ ક્લાસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તેની અસર ઓસરતાં જ આ સંખ્યા ફરીથી વધશે.

ભારત-ચીન-જાપાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં મધ્યમવર્ગની સંખ્યા આગામી વર્ષોમાં વધશે. કોરોના મહામારીના કારણે મધ્યમવર્ગને ફટકો પડયો છે, તેમ છતાં આગામી સમયમાં ફરીથી વૈશ્વિક મધ્યમવર્ગનો આંકડો મોટો થશે.
સામાન્ય રીતે દરરોજ સરેરાશ ૮૦૦થી ૮૦૦૦ રૃપિયાની કમાણી થતી હોય તો તેને વૈશ્વિક માપદંડ પ્રમાણે મધ્યમવર્ગમાં ગણવામાં આવે છે. અત્યારે દુનિયામાં ૧૩૫ કરોડ લોકો મધ્યમવર્ગમાં સામેલ થાય છે. કોરોના મહામારી પહેલાં એવી શક્યતા વ્યક્ત થઈ હતી કે ૨૦૨૦ સુધીમાં વધુ ૫૦ કરોડ લોકો મધ્યમવર્ગમાં ઉમેરાશે, પરંતુ મહામારીના કારણે લોકોની આવકમાં ફટકો પડયો હોવાથી મધ્યમવર્ગની વસતિ ધારણાં જેટલી વધી નથી.
વર્લ્ડ ડેટા લેબના સ્ટડી પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ભારત-ચીન-બાંગ્લાદેશ સહિતના એશિયન દેશોના વધુ ૧૦૦ કરોડ લોકો મધ્યમવર્ગમાં સામેલ થઈ જશે. તેનો અર્થ એવો કાઢવામાં આવ્યો હતો કે આગામી એક દશકામાં ૧૦૦ કરોડ કરતાં વધુ લોકોનું જીવનધોરણ સુધરશે.
અત્યારે વિશ્વના મિડલ ક્લાસની જે વસતિ છે, એમાં અડધો અડધ એશિયન દેશોની છે. તે સિવાય અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.

(12:26 am IST)