Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

હવે સ્માર્ટ ટી-શર્ટ રાખશે તમારા હાર્ટનું ધ્યાન!

ટેકસાસની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી સ્માર્ટ ટી-શર્ટ :સ્માર્ટ ટી શર્ટ ચેસ્ટ સ્ટ્રેપથી વધારે સારું કામ કરે છે: દાવો

અમેરિકાની રાઈસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ‘સ્માર્ટ ટી -શર્ટ’ ડેવલપ કરવામાં આવ્યુ છે. જેનાથી હાર્ટનું મોનિટરીંગ કરી શકાશે. આ ‘સ્માર્ટ ટી -શર્ટ’ કાર્બન નેનોટ્યુબ ફાઈબરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુ છે. જે તમારા હ્રદયના ધબકારાને ખૂબ જ સચોટ રીતે માપવા માટે મદદરૂપ બનશે. સંશોધકોનું કહેવું છે કે આ ટી-શર્ટમાં નેનોટ્યુબ ફાઈબર મટિરિયલની મદદથી વ્યક્તિના ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG)નું સચોટ પરિણામ મેળવી શકાશે.

રાઈસ યુનિવર્સિટીના સંશોધક લોરેન ટેલરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે”હાર્ટ મોનિટરિંગ માટે ટી-શર્ટને યોગ્ય રીતે છાતીના ભાગમાં ચોંટાડવાનું રહેશે. વધુમાં જણાવ્યુ કે ભવિષ્યમાં થનારા રિચર્સમાં કાર્બન નેનોટ્યુબ થ્રેડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેનાથી મોટાભાગની ચામડીનો ભાગ નેનો ફાઈબરના ટચમાં રહી શકે. “ટેલરે જણાવ્યુ હતુ કે ટી શર્ટની ઝિગઝેક પેટર્ન એડજસ્ટેબલ છે અને સ્ટ્રેચેબલ કાપડ હોવાથી વધારે અનુકૂળ રહેશે.

ટી-શર્ટનું મટિરિયલ એવી રીતે તૈયાર કરાયું છે કે તે ઈલેક્ટ્રોડની  જેમ કામ કરી શકે છે. તેને બ્લુટૂથ ટ્રાન્સમીટર જેવા ઈલેક્ટ્રોનિક્સથી કનેક્ટ કરવામાં આવ્યા છે અને આ ટ્રાન્સમીટરથી સ્માર્ટફોન કનેક્ટ કરી શકાશે. જેથી યુઝર તેની હાર્ટ એક્ટિવિટી મોનિટરિંગ કરી શકશે. ઉપરાંત ઈલેક્ટ્રોડની મદદથી હાર્ટનું ECG પણ કરી શકાય છે. સંશોધકોએ દાવો કર્યો હતો કે સ્માર્ટ ટી-શર્ટથી કરવામાં આવેલા ECGનું પરિણામ લેબ મશીનથી કરવામાં આવેલાં પરિણામથી વધારે અસરકારક છે.

રાઈસ યુનિવર્સિટીના સંશોધક મેટિઓ પાસકુઆલીએ જણાવ્યુ હતુ કે આ કપડાંમાં કનેક્ટીવિટી સારી રહે છે. આ ટી શર્ટ પહેરવાથી યુઝરને કોઈ સમસ્યા થતી નથી. ટ્રાયલ દરમિયાન હાર્ટ મોનિટર કરનારા ચેસ્ટ સ્ટ્રિપ્સથી (Chest strips) સ્માર્ટ ટી શર્ટની સરખામણી કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે સ્માર્ટ ટી શર્ટ રિયલ ટાઈમમાં સચોટ પરિણામ આપે છે.

(12:06 am IST)