Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

શોતુલ પ્રાંતમાં તાલિબાનની ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ

તાલિબાનને હંફાવતા નોર્ધન એલાયન્સના યોદ્ધા : અફઘાનમાં તાલિબાન સામે પડકાર, કાબૂલમાં હોસ્પિટલમાં સ્ટાફના અભાવે ફાઈટર્સની સારવાર નથી થઈ રહી

પંજશીર, તા.૩ : એક તરફ તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને વિશ્વ સાથે પોતાના સંબંધો સ્થાપિત કરવાની વાત કરી રહ્યું છે. પરંતુ બીજી બાજુ તે હજુ સુધી પંજશીર ક્ષેત્રમાં કબજો નથી જમાવી શક્યું અને ત્યાં સતત જંગ ચાલી રહ્યો છે. સોમવારથી જ પંજશીરમાં તાલિબાન અને નોર્ધન એલાયન્સના ફાઈટર્સ વચ્ચે જંગ ચાલી રહ્યો છે.

તાલિબાન દ્વારા પંજશીરના વિવિધ વિસ્તારોમાં ઘૂસણખોરી કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે નોર્ધન એલાયન્સનું માનીએ તો હજુ સુધી તાલિબાન પોતાના કોઈ જ પ્રયત્નમાં સફળ નથી થયું. નોર્ધન એલાયન્સના કહેવા પ્રમાણે પંજશીરની દરેક એન્ટ્રી પર તેમની નજર છે, શોતુલમાં તાલિબાનની ઘૂસણખોરીના પ્રયત્નને તેમણે નિષ્ફળ બનાવી દીધો છે.

તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે અને નોર્ધન એલાયન્સના કહેવા પ્રમાણે ગોળીબાર થયો તે સ્થળે ૪૦ કરતા વધારે તાલિબાનીઓના મૃતદેહો પડ્યા છે. બાદમાં તેમણે મૃતદેહો પાછા સોંપવા પ્રયત્ન કર્યો હતો. જોકે રાહતની વાત એ છે કે, ગુરૂવારે બંને પક્ષ વચ્ચે કોઈ જ ગોળીબાર નહોતો થયો.

પંજશીરમાં લડાઈ ઉપરાંત તાલિબાન સામે એક પડકાર એ પણ છે કે, કાબુલમાં તેના ફાઈટર્સની સારવાર નથી થઈ રહી કારણ કે, અનેક હોસ્પિટલોમાં સ્ટાફ હજુ કામ પર પાછો નથી આવ્યો. આ કારણે જ તાલિબાને નોર્ધન એલાયન્સની સાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે.  તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે અગાઉ વાતચીતનો પ્રયત્ન થયો હતો. શેર એ પંજશીર અહમદ શાહ મસૂદના દીકરા અહમદ મસૂદે પોતે વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવા માંગે છે તેમ જાહેર કર્યું હતું પરંતુ બંને પક્ષે કોઈ સમજૂતી નહોતી થઈ. આ બધા વચ્ચે તાલિબાને ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો અને જંગનો માહોલ સર્જાયો. તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો અને રાષ્ટ્રપતિ પેલેસમાં પ્રવેશ કર્યો તે સમયે પણ પંજશીર તેમના હાથથી દૂર હતું. તાલિબાન સતત એવો દાવો કરી રહ્યું છે કે, પંજશીર તેના કંટ્રોલમાં છે, તે ચારે બાજુથી ઘેરાયેલું છે પરંતુ હજુ તે શક્ય નથી બન્યું. જોકે તાલિબાન હાલ પંજશીર સિવાય કાબુલમાં પોતાની નવી સરકાર બનાવવા માટે પણ ધ્યાન આપી રહ્યું છે.

(9:25 pm IST)