Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ન્યુઝીલેન્ડની સુપરમાર્કેટમાં ત્રાસવાદી હુમલો

ISનો ત્રાસવાદી ત્રાટકયો : છ લોકોને ચાકુના ઘા માર્યા : હુમલાખોરને પોલીસે ઠાર માર્યો : હુમલાખોર હતો શ્રીલંકન

વેલિંગ્ટન તા. ૩ : ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલ સુપરમાર્કેટમાં એક ત્રાસવાદીને ઠાર કરાયો છે. સ્થાનિક અધિકારીના કહ્યા મુજબ તેઓએ એક હિંસક ચરમપંથીને ગોળી મારીને હત્યા કરી દીધી જેને એક સુપરમાર્કેટમાં ચાકુ મારીને છ લોકોને ઇજા પહોંચાડી છે.

આ વ્યકિત પહેલેથી જ પોલીસ માટે શંકાસ્પદ હતો. પોલીસ તેના પર નજર રાખી રહી હતી. જોકે તેણે એ પછી પણ આજે સુપર માર્કેટમાં ઘુસીને આતંકવાદી હુમલો કર્યો હતો. એ પછી પોલીસ ૬૦ જ સેકન્ડમાં ત્યાં પહોંચી ગઈ હતી અને હુમલાખોરને ગોળી મારી દીધી હતી.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડેને કહ્યુ હતુ કે, જે વ્યકિતને ગોળી મારવામાં આવી છે તે શ્રીલંકાનો નાગરિક હતો.તે ૨૦૧૧માં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અને તેના પર ૨૦૧૬થી નજર રાખવામાં આવી રહી હતી. આ ઘટનાને આંતકી હુમલો ગણાવીને તેમણે કહ્યુ હતુ કે, આ હુમલો એક વ્યકિતએ કર્યો છે, કોઈ ધર્મે નથી કર્યો. હુમલાખોર ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત હતો અને તેનુ ન્યૂઝીલેન્ડમાં કોઈ સમર્થન કરતુ નથી. દરમિયાન હુમલામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ત્રણની હાલત ગંભીર છે. સુપર માર્કેટનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હુમલાખોરને ભાગતો જોઈ શકાય છે. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચે છે અને હુમલાખોરને સરેન્ડર કરવાનુ કહે છે બાદમાં તેને ગોળી મારી દે છે.

(3:11 pm IST)