Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

હવે NSC - KVPમાં રોકાણ કરનારા ઉપર આવકવેરા ખાતાની નજર કેન્‍દ્રીત થઇ

૫૦ લાખ કે તેથી વધુનું રોકાણ કરનારાનો વારો કાઢશે : ૧ કરોડ કે તેથી વધુની નાની બચતમાં રોકાણ કરનાર ૧૫૦ લોકોને નોટીસ

નવી દિલ્‍હી તા. ૩ : રૂપિયા પચાસ લાખ અને તેનાથી વધારેની બેનામી ડીપોઝીટ નાના બાળકો અને સગાઓના નામે કિસાન વિકાસપત્ર અને નેશનલ સેવીંગ સર્ટીફીકેટ જેવી નાની બચત યોજનાઓમાં કરવાના કિસ્‍સાઓ આવકવેરા વિભાગના ધ્‍યાનમાં આવ્‍યા છે. એક અધિકારીએ કહ્યું કે, ૧ કરોડ અથવા તેનાથી વધારે ડીપોઝીટના આવા કેસોમાં વિભાગ નોટીસો મોકલી રહ્યા છે.

કેન્‍દ્રે પોસ્‍ટ ઓફિસોને ૧૦ લાખ અથવા તેનાથી વધારે ડીપોઝીટ ધરાવતા જૂના ખાતાઓનું ફરીથી કેવાયસી કરવા કહ્યું છે. ખાતાઓના આધારે તેમને લો રીસ્‍ક, હાઇરીસ્‍ક અને વેરી હાઇરીસ્‍કની ટેગ અપાશે.

એક સીનીયર અધિકારીએ કહ્યું ‘અમારા ધ્‍યાનમાં એવા ઘણાં બેનામી કેસો આવ્‍યા છે જેમાં ૫૦ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે ડીપોઝીટ હોય પણ રીટર્ન ના ભરતા હોય, વધુ તપાસમાં જાણવા મળ્‍યું કે ડીપોઝીટ એવા લોકોના નામે છે જે આટલી આવક ના મેળવી શકતા હોય.'

તેમણે કહ્યું ‘અત્‍યાર સુધીમાં અમે ૧૫૦ નોટીસો મોકલી છે, જેમાં ડીપોઝીટ ૧ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે હોય. આવા કેસોની સંખ્‍યા તો ઘણી વધારે હોય એવું દેખાય છે અને વધુ નોટીસો મોકલાઇ શકે છે.'

(12:19 pm IST)