Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સ્કૂલના વોશરૂમમાંથી સ્ટુડન્ટની ડેડ-બોડી મળી, ત્રણ કલાસમેટની અટકાયત

પરિવાર અને પાડોશીઓએ રસ્તા પર દેખાવો કરીને સ્કૂલ-મેનેજમેન્ટ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી મૃત્યુના બનાવની તપાસની માગણી કરી

નવી દિલ્હી તા. ૩ : દિલ્હીની એક સ્કૂલના નવમા ધોરણના સ્ટુડન્ટના રહસ્યમય મૃત્યુની ઘટનાના અનુસંધાનમાં ત્રણ સગીર વયના છોકરાઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

સ્કૂલના વોશરૂમમાં બેભાન હાલતમાં મળેલા ૧૬ વર્ષના તુષારને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડોકટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. કરવાલ નગરમાં સ્કૂલની નજીક રહેતા તુષારના પરિવાર અને પાડોશીઓએ રસ્તા પર દેખાવો કરીને સ્કૂલ-મેનેજમેન્ટ વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મૃત્યુના બનાવની તપાસની માગણી કરી હતી.

સીસીટીવી કેમેરાના ફુટેજમાં વોશરૂમ નજીક તુષારને અન્ય કેટલાક સ્ટુડન્ટ્સ સાથે મારામારી થઈ હોવાનું જોવા મળ્યું હતું. ફુટેજમાં તુષાર જે સ્ટુડન્ટ્સ સાથે મારામારી કરતો જોવા મળ્યો છે એમાંથી સગીર વયના ત્રણ સ્ટુડન્ટ્સને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. નાસી ગયેલા એક સ્ટુડન્ટને પોલીસ શોધે છે. બધા સ્ટુડન્ટ્સ એક જ કલાસના છે

તુષારને અન્ય સ્ટુડન્ટ્સે મારઝૂડ કરી હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. તુષારના પરિવારના સભ્યોની ફરિયાદને આધારે કેસ નોંધ્યા બાદ પોલીસે ડેડ-બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે સ્કૂલના કલાસરૂમનો ઝદ્યડો બહાર આવ્યો હતો. સિકયોરિટી કેમેરામાં તુષારને અન્ય સ્ટુડન્ટ્સ મુક્કા મારતો હોવાનું જોવા મળ્યું હતું.

તુષાર બીમાર હોવાથી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હોવાનો દાવો સ્કૂલના અધિકારીઓએ કર્યો હતો, પરંતુ તુષારની મધરે સ્કૂલ હુમલાની ઘટનાનો ઢાંકપિછોડો કરતી હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે 'જો મારા દીકરાની તબિયત સારી ન હોય તો અમે તેને સ્કૂલમાં શા માટે મોકલીએ? હું મારા દીકરાના શરીરને અડી ત્યારે તે સાવ ઠંડો પડી ગયો હતો. પ્રિન્સિપાલે અમને કહ્યું કે તુષારના પેટમાં દુખાવો હોવાથી તે સ્કૂલમાં મૃત્યુ પામ્યો હતો. મને મારો દીકરો પાછો આપો. એ લોકોએ મારા દીકરાને મારી નાખ્યો છે. '

(12:43 pm IST)