Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

તહેવારોમાં સાવધાની રાખવી પડશેઃ ખુશીનો માહોલ ગમમાં ના બદલાઈ જાય

આગામી છથી આઠ મહિના સતર્ક રહેવાથી કોરોનાના કેસોમાં ઘટાડો સંભવઃ ડો. ગુલેરિયા

નવી દિલ્હી,તા. ૨: એક તરફ કોરોના મહામારીના આંકડા અકટવાનું નામ નથી લઈ રહ્યા. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૬ હજારથી વધુ કેસ આવ્યા છે. દેશમાં એકતરફ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એઈમ્સના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, આગામી તહેવારોની સીઝનમાં લોકોએ વધુ સાવધાની રાખવી પડશે. ખુશીનો મહાલો ગમમાં ના બદલાઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. આગામી છથી આઠ સપ્તાહમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ શકે છે.

વિતેલા એક દિવસમાં કોરોનાથી દેશમાં વધુ ૨૭૭ દર્દીના મોત થયા હતા. ૨૪ કલાકમાં ૨૮,૨૪૬ લોકો સ્વસ્થ થયા હતા જેની તુલનાએ ૨૬,૭૨૭ નવા કેસ નોંધાયા હતા. કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૩,૩૦,૪૩,૧૪૪ થઈ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ૪,૪૮,૩૩૯ થયો છે.

દેશમાં હજુ પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોની બેદરકારી આગામી સમયમાં ભારે પડી શકે છે. ઓકટોબરથી દેશમાં તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. તહેવારોમાં લોકો બજારમાં ખરીદી માટે મોટાપાયે નિકળતા હોય છે. લોકો ટોળામાં એકત્ર થતા હોય છે. આ અંગે એઈમ્સ ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, તહેવારોમાં લોકોએ વધુ સતર્ક રહેવું પડશે.

ગુલેરિયાના મતે જો આગામી છથી આઠ મહિના સતર્ક રહીશું તો કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવાની શકયતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ તહેવારોમાં લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.

(10:10 am IST)